Friday, January 31News That Matters

છીરીમાં મોબાઇલની દુકાન ધરાવનાર સાથે મારામારી કરતા 4 લુખ્ખાઓને સમજાવવા જનારને બેફામ માર મારતા પોલીસ ફરિયાદ બાદ ચારેય જેલ હવાલે

વાપી નજીકના છીરી ગામે એક મોબાઇલની દુકાન ધરાવનાર સાથે મારામારી કરતા 4 લુખ્ખાઓને સમજાવવા જવાનું દુકાન માલિકના દીકરાને ભારે પડ્યું છે. મારામારી કરનાર લુખ્ખાઓએ યુવક ને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને લઈ GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી કરનાર 4 યુવકોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

વાપી GIDC પોલીસ મથકમાં જાવેદ અલી આબેદ હુસેન અન્સારી એ નોંધાવેલ ફરિયાદ મુજબ 18મી ફેબ્રુઆરીએ તે છીરી સ્થિત તેની મોબાઇલની દુકાનમાં હતો. ત્યારે તેની પાસે મોબાઈલ રીપેરીંગ કરી મોબાઈલના 1200 રૂપિયા બાકી રાખી જનાર તેનો મિત્ર પ્રિયાંશું રાત્રે દુકાન પર આવતા બાકી પૈસાની માંગણી કરી હતી. જેમાં તેમણે પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી દરમ્યાન નજીકમાં ઉભેલા આનંદકુમાર પ્રેમનારાયણ સીંગે પાસે આવી બોલાચાલી કેમ કરે છે. તું અહીં જ ઉભો રહે હું હમણાં આવું છું કહીને જતો રહ્યો હતો. જે થોડીવારમાં તેના અન્ય મિત્રો રોહિત રવિભાઈ ભારતી, નરેન્દ્ર ભોલાભાઈ પ્રજાપતિ, મનીષ રાજબહાર ને લઈને આવ્યો હતો. ચારેયે ફરિયાદીને માર મારવાનું શરૂ કર્યું હતું. જે જોઈ દુકાન માલિકના દીકરા નબી એહમદ મલિકે ઝઘડો નહિ કરવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ચારેય લુખ્ખાઓએ તેને મોઢા અને શરીરના ભાગે ઢીક્કામુક્કીનો તેમજ બાઇકની ચાવીથી માર મારી ઘાયલ કરી મુક્યો હતો. આ સમયે અન્ય લોકો દોડી આવતા મારામારી કરનાર લુખ્ખાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતાં.

મારામારીમાં ઘાયલ યુવકને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી કરનાર ચારેય યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *