વાપી GIDC વિસ્તારમાં નોટિફાઇડ દ્વારા એક 35 વર્ષ જુની ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી. આ ટાંકી 20 લાખ લીટરની ક્ષમતાવાળી હતી. જે જર્જરિત થઈ ગઈ હોય તેના સ્થાને એટલા જ લિટરની વધુ ઊંચાઈ વાળી ટાંકી બનાવવાની મંજૂરી મેળવી હતી. જે બાદ આજે બુધવારે નોટિફાઇડ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સાથે ટાંકીને ધરાશાયી કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ વાપી GIDC માં વાપી સેલવાસ રોડ પર ચણોદ વિસ્તારમાં એશિયન કેરેનની બાજુમા આવેલ આ પાણીની ટાંકીને તોડી પાડવા માટે ખાસ એજન્સીને કામ સોંપાયું હતું. જે એજન્સીએ Coloum breaking technology વડે આ ટાંકીને ધરાશાયી કરી હતી. આ દરમ્યાન સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ, GEB સાથે તેમજ અન્ય લાગતી વળગતી એજન્સી સાથે સંકલન સાધ્યું હતું.
આજે સાંજે સેલવાસ રોડ પરનો ટ્રાફિક રોકી, 10 મિનિટ માટે વીજ પુરવઠો બંધ કરી ટાંકીને ઉતારી લેવાઈ હતી. આ દરમ્યાન ટાંકી ને ધરાશાયી કરતા ધૂળની ડમરીના ગોટાગોટા ઉડ્યા હતાં. તંત્રએ પૂરતી તકેદારી સાથે આ પાણીની ટાંકીને ઉતારી લીધી છે. અને આ ટાંકી મારફતે જે વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. તે અન્ય ટાંકી અને પાઇપલાઇન મારફતે અવિરત રહેશે. આગામી દિવસમાં આ સ્થળે નવી ટાંકી બનતા જ દરેકને વધુ પ્રેશર સાથેનું પાણી પૂરું પાડવામાં આવશે.