દિવાળી તહેવાર દરમ્યાન લૂંટ-ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે, વાપીની એક જવેલર્સની દુકાનનો માલિક દુકાન બંધ કરી દાગીના સાથેની બેગ લઈ કારમાં ઘરે જવા નીકળે તે પહેલાં જ લૂંટારાઓએ લૂંટ કરતા ચકચાર મચી ગઇ છે. અંબિકા જવેલર્સ નામની દુકાનના માલિક ને લૂંટનાર બુકાનીધારી લૂંટારાઓએ હવામાં ફાયરિંગ કરી રોકડ, સોના, ચાંદીના દાગીના મળી કુલ 10.70 લાખની લૂંટ કરી છે. જેને પકડી પાડવા પોલીસે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે.
આ ચકચાર જગાવતી લૂંટની ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ વિગતો આપી હતી કે, વાપી ભડકમોરા વિસ્તારમાં એમ. જે. માર્કેટ આવેલ છે. આ માર્કેટમાં ચિરાગ સિંગ નામનો વેપારી શ્રી અંબિકા જ્વેલર્સ નામની શોપ ધરાવે છે. જેઓ સોમવારે 9:30 વાગ્યે પોતાની દુકાનમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના બેગમાં ભરી કારની સીટના પાછળના ભાગે મૂકી હતી. જે બાદ કાર સાફ કરતો હતો. ત્યારે બાઇક પર આવેલ ત્રણ બુકાની ધારીઓએ તેમની પાસે આવ્યા હતા. જેમાના બે પાસે દેશી તમંચા જેવા હથિયાર હતા એક પાસે કોઈતો હતો. જેઓએ જ્વેલર્સ સામે તમંચો બતાવી હવામાં ફાયરિંગ કર્યું હતું. તે બાદ કારમાં પાછળની સીટ પર મૂકેલી સોના ચાંદીના દાગીના ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં બાઈક પર આવેલ ત્રણેય લૂંટારાઓ બેગમાં રહેલા 10.70 લાખના સોના ચાંદીના દાગીના રોકડ રકમ લૂંટી હાઈવે તરફ ભાગ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે જાણવા મળ્યું છે કે આરોપીઓએ આ વિસ્તારમાં આ પહેલા રેકી કરી તે બાદ આ લૂંટ કરી હતી.
સોના ચાંદીના જ્વેલર્સે નોંધાવેલ ફરિયાદ મુજબ કુલ ₹10,70,000 ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા છે. હાલ સીસીટીવી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ હાઇવે તરફ ભાગ્યા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, રાત્રિના 9:30 વાગ્યાના સુમારે બનેલી લૂંટની ઘટનાના પગલે સમગ્ર પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી. જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી GIDC, ટાઉન, ડુંગરા પોલીસ મથકના સ્ટાફને નાકાબંધી માં ગોઠવી હતી. SOG, LCB ની ટીમને લૂંટારાઓ ને પકડી પાડવા સૂચના અપાઈ હતી.