વાપી રેલવે સ્ટેશનને મુંબઈ તરફથી આવતી ટ્રેન અડફેટે આવી જતા 2 મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતા અરેરાટી મચી ગઇ છે. ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરેલા 3 મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી ગયા હતાં. જેમાં 1 મહિલા એક પુરુષ મુસાફરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે રેલવે પોલીસે વિગતો આપી હતી કે, બપોરે 2 વાગ્યે મુંબઈ તરફ જતી ઝાંસી બાંદ્રા ટ્રેન વાપી પહોંચી હતી. વાપી માં ટ્રેન પ્લેટ ફોર્મ નંબર 2 પર ઉભી રહી હતી. ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોય 3 મુસાફરો ઓફસાઈડ ઉતર્યા હતાં. ત્રણેય મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરી પ્લેટ ફોર્મ નંબર એક પર જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ તરફથી આવતી લીંગમ પલ્લી-ઇન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનના અડફેટે આવી ગયા હતાં.
ઘટનામાં 3 મુસાફરો પૈકી એક મહિલા અને એક પુરુષ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક મહિલાને પગ માં ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઘટના ની જાણ રેલવે પોલીસ તેમજ સ્ટેશન પર ઉભેલા મુસાફરોને થતા તાત્કાલિક ત્રણેય મુસાફરોને બચાવવા દોડ્યા હતાં. 2 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત થતા રેલવે સ્ટેશને મુસાફરોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. થોડો સમય રેલવે વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારમાં એક 16 વર્ષીય યુવતી હતી. જે તેના પરિવાર સાથે ઝાંસી થી વાપી રેલવે સ્ટેશને ઉતરી હતી. પરિવાર દમણમાં રહેતો હોય વાપી રેલવે સ્ટેશને ઉતરી દમણ જવાનો હતો. જ્યારે બીજા પરિવાર ના એક પુરુષ નું મૃત્યુ નીપજ્યું હતું તે અને ઘાયલ મહિલા કોણ છે તેના પરિવારના સભ્યો કોણ છે તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.