વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ દ્વારા વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ ખાતેથી 2 દિવસીય સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ હાથમાં સાવરણો લઈ મુખ્ય માર્ગ પર પડેલા કચરાની સાફસફાઈ કરી શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત 15મી ઓકટોબર થી 16 ડિસેમ્બર-2023 સુધી “સ્વચ્છતા હી સેવા ” કાર્યક્રમ અંતર્ગત સમૂહ સફાઈ ઝુંબેશ તથા સ્વચ્છ શૌચાલય કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે વાપી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય રસ્તાની સામૂહિક સફાઈ ઝુંબેશ રાખવામાં આવી છે. બે દિવસીય સફાઈ ઝુંબેશમાં શહેરના લોકો પણ લોકભાગીદારીમાં સહયોગ આપે. વાપીને સ્વચ્છ, સુંદર અને ડસ્ટ ફ્રી બનાવવાના સંકલ્પ સાથે આ સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાય તેવા ઉદેશ્ય સાથે શનિવારે વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલ પેપીલોન ખાતેથી સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
2 દિવસીય આ સામુહિક સફાઈ અભિયાનમાં પ્રથમ દિવસે નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, વાપી શહેર ભાજપ અને VIA પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહ, ચીફ ઓફિસર શૈલેષ બી.પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, કૌશિક પટેલ, તેમજ વલસાડ ભાજપ પ્રદેશના મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ સાથે જાહેર માર્ગ પર સફાઈ કરી હતી. હાથમાં ઝાડુ લઈ તમામ લોકોએ રસ્તા પરનો કચરો એકઠો કરી તેના નિકાલ માટેના વાહનમાં ભર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 2 દિવસના આ સામુહિક સફાઈ અભિયાનમાં આવતી કાલે રવિવારે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. પ્રથમ દિવસે શ્યામજી કૃષ્ણ વર્મા સર્કલથી ગાંધી સર્કલ સુધીના મુખ્ય માર્ગને સ્વચ્છ બનાવવા સફાઈ હાથ ધરાઈ હતી. રવિવારે કનુભાઈ દેસાઈની હાજરીમાં RGAS હાઈસ્કૂલથી આસોપાલવ સોસાયટી થઈ નેશનલ હાઇવે નંબર 48 સુધીની સફાઈ હાથ ધરવામાં આવશે. આ સફાઈ અભિયાનમાં સહભાગી થવા તેમજ શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થઇ કચરો કચરા પેટી સિવાય ક્યાંય જાહેરમાર્ગ પર નાખે નહિ તેવી નગરજનોને નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી.