Friday, October 18News That Matters

વાપીમાં નાણાંમંત્રી અને વન, પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટમાં 1005 એકમો સાથે 1196 કરોડના MOU…..!

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે તેમજ આગામી ‘વાઈબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રિ-ઈવેન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ હતી. જેમાં જિલ્લાના 1005 ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.1196 કરોડના MOU કર્યા હતા, જેનાથી અંદાજે 11200 વ્યક્તિઓને રોજગારી મળશે.

આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ કેવી રીતે કરવો એ માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજનાઓ બનાવી રોજગારી અને લોકોની આવક વધારવા માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં વર્ષ 2003માં સૌપ્રથમ વાર વાયબ્રન્ટની શરૂઆત કરી હતી. એકદમ નાના પાયા શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાતની પહેલ આજે વિશાળ વટવૃક્ષ સમાન બનતા ગુજરાત દસમો વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યું છે.

સમિટમાં વાજપાઈ બેન્કેબલ યોજના, MSME અને સ્ટાર્ટઅપ લોન સહાય, અને નવા યુનિટ શરૂ કરવા માટે સહાય જેવી વિવિધ યોજનાઓના પાંચ લાભાર્થીઓને લોન સહાયના રૂ. 34,33,222 ના ચેકો અને ત્રણ લાભાર્થીઓને રૂ. 4.59 કરોડના ટર્મલોનના મંજૂરી પત્ર અને ચેક મંત્રીઓના હસ્તે એનાયત કરાયા હતા.

વાયબ્રન્ટ ગુજરાત-2024 અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં
એક્ઝિબીશનમાં 32 સ્ટોલ સ્ટોલ દ્વારા ઔદ્યોગિક એકમોને સહાય, યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022, ગુજરાત ટેક્ષટાઈલ પોલિસી-2019, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, કોટેજ અને રૂરલ ઈન્ડસ્ટ્રીઝ સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-(GEM), જેમ અને જ્વેલરી ક્ષેત્રે સહાય અને જાણકારી આપવામાં આવી હતી.

સમીટ કાર્યક્રમમાં જય એકશુઝન મશીનરી, નેહલ એન્જિનિયરિંગ વર્કસ, સાઈ-ટેક એન્જિનિયરિંગ કંપની, એસ. એન. એન્ટરપ્રાઇઝ અને રિદ્ધિ ઇકવીફેબ ઉદ્યોગોના ઉદ્યોગકારોને મહાનુભાવોના હસ્તે પાંચ લાખથી લઈને 6 લાખથી વધુના કેપિટલ સબસીડી અન્વયે સબસીડી ની ચુકવણી કરતા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

સમિટમાં સ્ટાર મોડલિંગ એન્ડ સિમેન્ટ ટ્રેડર્સના પ્રોપરાઇટર અજીમ નુરાણી દ્વારા 10 કરોડનું MOU, રેઇનબો ટેક્ષ ફેબ ના પ્રોપરાઇટર બીજલ દેસાઈ દ્વારા એક કરોડનું MOU, મેરીટ પોલીમર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મિતાલી કોઠારી દ્વારા 25 કરોડનું MOU, વાપી એનવાયરો લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જતીન મહેતા દ્વારા CETP ના એક્સપાન્શન 55 થી 70 MLD માટે 40 કરોડનું MOU, વાલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ ના અધિકૃત પ્રતિનિધિ કમલેશ ભટ્ટ દ્વારા ઇન્ટરમિડીયેટ ઓફ ફાર્મા એન્ડ કેમિકલ્સ માટે 30 કરોડનું MOU, સુપ્રીત કેમિકલ લિમિટેડના ડાયરેક્ટર હરજીદર સરના દ્વારા 45 કરોડનું MOU, Citizen Umbrella મેન્યુફેક્ચરર્સ લિમિટેડના ડાયરેક્ટર નિહાર બાંથીયા દ્વારા હાર્ડ લગેજ રેનકોટ એન્ડ Umbrella માટે 50 કરોડનું MOU, અપોલો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર વરુણ દેસાઈ દ્વારા 8.10 કરોડનું MOU સહિત વર્ષ 2024 વાઇબ્રન્ટ સમિટના સંદર્ભમાં વલસાડ જિલ્લાના કુલ 1005 એકમો મળી 1196 કરોડનું સૂચિત મૂડી રોકાણ ધરાવતા MOU કરવામાં આવ્યા છે. જે અન્વયે આશરે 11200 થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.

તો એ જ રીતે બેન્ક તરફથી મળવા પાત્ર લોનની રકમના ચેક અને તેના મંજૂરી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતાં. જેમાં આઈ કેર કમ્પાઉન્ડ પ્રાઇવેટ લિમિટેડના મનોજકુમાર શાહજી પટેલને 3.12 કરોડ, અલ્ટીમેક ઇન્ડસ્ટ્રીઝના અર્ચના સી. ચૌધરીને 0.47 કરોડના, એડ ઉંચુકો પોલી પ્લાસ્ટના દિપક શરાફને BOB દ્વારા મંજૂરી પત્ર અને ચેક આપવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *