રવિવારે વાપીમાં છીરી વિસ્તારમાં આવેલ એવરગ્રીન પાર્ટી પ્લોટ ખાતે નવસારીના ડાભેલ સ્થિત ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરા દ્વારા વાપીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મેગા મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સારવારના નિષ્ણાત તબીબો પાસે લગભગ 730 જેટલા દર્દીઓએ પોતાના રોગનું નિદાન કરાવ્યું હતું. તેમજ નિઃશુલ્ક દવા મેળવી હતી.
આઝાદી પહેલાથી આરોગ્ય સેવાકીય ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી અને હાલમાં નવસારી ના ડાભેલ ખાતે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરી ગરીબ દર્દીઓને નજીવા ખર્ચે દરેક પ્રકારની બીમારીમાં ઉત્તમ સારવાર પુરી પાડતા ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને વાપીમાં આરોગ્ય ક્ષેત્રે સેવા પુરી પાડતા ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના છીરી ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પમાં 8 જેટલા વિભાગો ઉભા કરવામાં આવ્યા હતાં. જેમાં ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલના ઓર્થોપેડિક, ગાયનેક, કાર્ડિયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ, આંખ-કાન-ગળાના નિષ્ણાત તબીબોએ પોતાની સેવા પૂરી પાડી હતી. વાપીના દર્દીઓએ આ કેમ્પમાં ઉપસ્થિત રહી પોતાની વિવિધ બીમારીઓનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું. જે બાદ તમામને નિઃશુલ્ક દવા, આંખની ઝાંખપ અનુભવતા દર્દીઓ માટે નિઃશુલ્ક ચશ્માં પણ આપવામાં આવ્યા હતા. આ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનો 730 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પમાં સહભાગી થયેલ ગાર્ડી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મૌલાના કારી ઇસ્માઇલ, પ્રિન્સિપલ શકીલ એહમદ શેખ, ડૉ, ઇકબાલ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરાના ઉપપ્રમુખ સાબીરખાને આ નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પનો વાપીના દર્દીઓ મોટી સંખ્યામાં લાભ લે તે ઉદેશથી આયોજિત કર્યો હોવાનું જણાવી બન્ને સંસ્થા આરોગ્ય ક્ષેત્રે જે સેવા પૂરી પાડે છે. તેનાથી તમામને અવગત કરાવ્યા હતાં.
આ પ્રસંગે ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના ગણમાન્ય અતિથિઓને પણ આમંત્રણ પાઠવ્યું હતું. બને સંસ્થાની યશસ્વી કામગીરીને પ્રોત્સાહન પૂરું પાડવા વાપીના જમીયત ઉલમાં ટ્રસ્ટ વાપીના પ્રમુખ ઇન્તેખાબ ખાન, વહાબ ભાઈ, અને સંસ્થાના સભ્યો, ભિલાડના ઇજ્જુ શેખ ઉપરાંત વલસાડ જિલ્લામાં સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ ડુંગરાના પ્રેસિડેન્ટ્સ સફિક શેખ, વાઇસ પ્રેસિડેન્ટ્સ સાબિરખાન, ઝકરીયા ખાન, ખલીલખાન, અબ્દુલખાન, સાદીકખાન સહિતના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળોએ સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગાર્ડી ચેરીટેબલ હોસ્પિટલ નવસારીના ડાભેલ ખાતે આવેલી છે. આઝાદી પહેલાની આ સંસ્થા શરૂઆતમાં આરોગ્ય ક્ષેત્રે નિશુલ્ક સેવા પ્રદાન કરતી હતી. જે બાદ 2009 માં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરી મેડિકલ ક્ષેત્રે ગરીબ દર્દીઓને તમામ પ્રકારની આરોગ્ય લક્ષી સારવાર નજીવા દરે પૂરી પાડે છે. આ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબો પોતાની સેવા આપી રહ્યા છે. વાપીમાં ગરીબ દર્દીઓ તેમના રોગોનું નિદાન કરી શકે. નિશુલ્ક દવા મેળવી શકે તે માટે ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલે પોતાના તબીબોની ટીમ, પેરામેડિકલ સ્ટાફ, દવા સહિતની તમામ જરૂરિયાત નિઃશુલ્ક પૂરી પાડી કેમ્પને સફળ બનાવ્યો હતો.