વાપી નગરપાલિકામાં 30 મી એપ્રિલે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં ઉપસ્થિત સભ્યો સમક્ષ ગત સામાન્ય સભાના વિવિધ કામોને બહાલી અપાઈ હતી. જો કે કેટલાક વિસ્તારમાં પાણીની તંગી ઉભી થવા મામલે તેમજ મિલકત વેરામાં કરેલા 10 ટકાના વધારા માટે વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.
વાપી નગરપાલિકાના સભા ખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલે નગરસેવકો સાથે વિકાસના કામો અંગે ચર્ચા કરી મહત્વના કામોને બહાલી આપી હતી. જેમાં હાલમાં મિલ્કતવેરામાં 10 ટકાનું રિબેટ આપ્યા બાદ 10 ટકા ટેક્સમાં વધારો કરી દેવાની વાત ને લઈને વિપક્ષી નેતા ખંડું ભાઈ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. જો કે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે આ વધારો 6 વર્ષ બાદ સરકારના ઓડિટ આધારે કરવામાં આવ્યો છે. તો, ડુંગરા સહિતના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો હોવા છતાં એન્જીનીયર સંજય ઝા નગરસેવકોના ફોન ઉપાડતો ના હોય તેમની સામે પગલાં ભરવાની માંગ કરી વિપક્ષી નગરસેવકો અને શાસકપક્ષના નગરસેવકોએ આક્રોશ ઠાલવ્યો હતો.
સામાન્ય સભામાં વાપીના ગીતા નગર સહિતના કેટલાક વિસ્તારોમાં રોડ વાઇડનિંગ કામગીરી માટે લોકોનો સહયોગ આપવા અને ગેરકાયદેસર દબાણને હટાવવામાં વિપક્ષના નેતાઓને સહકાર આપવા પ્રમુખે અપીલ કરી હતી. જેમાં કેટલાક વિસ્તારમાં 12-15 મીટર તો કેટલાક વિસ્તારમાં 9 મિટરના રસ્તા બાનાવવામાં આવશે. જો કે રોડ વાઇડનિંગ કામગીરીમાં વિપક્ષના વિસ્તારમાં 12 થી 15 મીટર રસ્તાઓ બનાવવા દબાણ હટાવવામાં આવશે જ્યારે શાસક પક્ષના નગરસેવકોના વિસ્તારમાં 9 મીટરના માર્ગ બનાવી બાકીના દબાણો યથાવત રાખી પાલિકાના સત્તાધીશો વ્હાલા દવલાની નીતિ વાપરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા હૈયા વરાળ ઠલવાય હતી. સામાન્ય સભામાં પાલિકા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ, બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડાની પ્રતિમા મુકવાની હોય તે અંગે યોગ્ય જાળવણી થઈ શકે તેવા વિસ્તાર ના નામ સુચવવા પાલિકા કાઉન્સિલરોને અપીલ કરાઈ હતી.
સામાન્ય સભામાં પ્રમુખે વર્ષ 2021-22ના વાર્ષિક હિસાબ, કારોબારી સમિતિમાં થયેલ કાર્યવાહીની નોંધ, વિવિધ સમિતિઓ અને ચેરમેન-નગરસેવકો દ્વારા કરાયેલ સૂચનો-ભલામણ આપવા સાથે પાલિકાના કેટલાક કર્મચારીઓને ભરતી સાથે બઢતી આપવી, જૈવ વૈવિધ્યતા માટે બાયો ડાયવર્સીટી પ્લાન્ટ ઉભા કરવા જેવા કામોને પણ બહાલી આપી આખરે સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરાઈ હતી.