Friday, January 31News That Matters

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યા, 213 મિલકતધારકોને છેલ્લી નોટિસો આપી

વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 213 મિલકત માલિકોને છેલ્લી નોટિસ બજાવી વેરો ભરવા તાકીદ કરી છે. તો, 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.

ચલા ખાતે આવેલ હાઈલેન્ડ પાર્ક કોમ્પ્લેક્ષના 14 બાકીદારોને વેરો ભરવા નોટીસો આપવામાં આવી હતી. જેમાંથી 10 બાકીદારોએ સ્થળ પર જ રૂ. 1.21 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલના માર્ગદર્શનમાં વેરા વસૂલાતને વેગ આપવામાં આવી રહ્યો છે. ડુંગરામાં આસ્થા હાઇટ્સ, સાઇશ્રધ્ધા પ્લાઝા, સન સિગ્નેચર, મુસા માર્કેટ વગેરે બિલ્ડિંગના બાકીદારોને અને વાપીના ગારનેટ કોમ્પ્લેક્સ, સેન્ટર પોઈન્ટ, મહાવીર શોપિંગ સેન્ટર, સોલીટર બિઝનેસ સેન્ટર વગેરે બિલ્ડિંગના મળી 213 જેટલા બાકીદારોને છેલ્લી નોટિસ આપવામાં આવી છે.

ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે એક યાદીમાં જણાવ્યું છે કે સરકારશ્રીની ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’ અંતર્ગત અગાઉના વર્ષોની તમામ નોટીસ ફી/ વ્યાજની 100 % રકમ માફ કરવામાં આવતી હોય તેનો લાભ બાકીદાર મિલકત માલિકોએ લેવો જોઈએ.

વધુમાં ઓક્ટોબર-22 થી રીબેટ અને દંડના નિયમોનુસાર લાગતા દંડનીય વ્યાજ ભરવામાંથી મુક્તિ મેળવવા ચાલુ વર્ષના બાકીદારોને પણ પોતાનો વેરો ભરી દેવા વિનંતી થઈ છે. ઘરવેરા વિભાગ દ્વારા ચાલુ વર્ષનો બાકી વેરો ભરવા મિલકત માલિકોને જાગૃત કરવા માટે સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરી સાથે બેઠક કરી માહિતી આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *