Saturday, December 21News That Matters

GPCB-પોલીસમાં ઓળખાણ છે. આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી:-કરવડમાં ભંગારીયાની દાદાગીરી

વાપી નજીક કરવડ ગામે એક જમીન માલિકને તેની જમીન નજીક કેમિકલ વેસ્ટ ખાલી કરતાં ભંગારીયાએ GPCPB પોલીસમાં મોટી ઓળખાણ હોય આ જગ્યામાં કેમીકલનો વેસ્ટ ખાલી કરું છું, મને કોઈ રોકી શકે તેમ નથી તારું બાંધકામ તોડી પાડીશ તેવું કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા જમીન માલિકે ડુંગરા પોલીસ મથકમાં અને GPCB માં ફરિયાદ નોંધાવી છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ની અનેક કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમીકલ વેસ્ટ લાવી તે વેસ્ટ કરવડ-ડુંગરા જેવા વિસ્તારોમાં તો ક્યારેક છેક કપરાડા ના અંતરિયાળ વિસ્તારમાં ઠાલવી જમીન, પાણી અને હવાને પ્રદુષિત કરનારા ભંગારીયાઓની કેટલી દાદાગીરી છે તેનો એક કિસ્સો વાપી નજીક કરવડ ગામે નોંધાયો છે. કરવડ ગામે આદર્શ નગરમાં પારડીના નાસીરખાન પઠાણે સર્વે નંબર 297 પૈકી 2 માં પાડવામાં આવેલ બીનખેતીના પ્લોટો પૈકી પ્લોટ 16 નાં કુલ ક્ષેત્રફળ 470 ચો.મી પૂર્વ દિશા તરફથી 250.92 ચો.મી.ની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદી હાલમાં બાંધકામ શરૂ કર્યું છે.
આ પ્લોટ નજીક  219.08 ચો.મી.જમીન પાલઘરના જાવદુલહક્ક સફીઉલહક્ક ખાન નામના ઇસમે ખરીદી કરી છે. જેમાં તે વાપીની કંપનીઓમાંથી લાવતા કેમિકલ વેસ્ટને ડમ્પ કરે છે. આ ભંગારીયાની પોલ ખુલી ના પડી જાય એ માટે તેમણે નાસીરખાન પઠાણના ચાલી રહેલા બાંધકામના સ્થળે માણસો મૂકી કામ બંધ કરાવવા ધમકી આપતો હોય તેમજ ભંગારીયો જાવદુલહક્ક પોતાની પોલીસમાં અને GPCB માં મોટી ઓળખાણ હોય તું મારી ફરિયાદ કરશે તો પણ મને કોઈ કશું નહીં કરી શકે અને ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી જાહેરમાં આ પ્લોટમાં કેમિકલનો વેસ્ટ ઠાલવું છું તેવું કહેતો હોય એ મામલે જમીન માલિક નાસિરખાને ડુંગરા પોલીસ મથકમાં અને GPCB માં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ બાદ GPCB ની ટીમે સ્થળ પર આવી જમીનમાં ખોદાણ કરતા મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ અને સ્લજ મળી આવતા તેના સેમ્પલ લઈ ગાંધીનગર ખાતે લેબ ટેસ્ટમાં મોકલ્યા છે. જો કે આ મામલે વાપી GPCB ગંભીર બની આ કેમિકલ વેસ્ટ ઠાલવનાર અને તે બાદ દાદાગીરી કરતા ભંગારીયા જાવદુલહક્ક ખાન સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
ફરિયાદી નાસિરખાને જણાવ્યુ હતુ કે, કરવડ ગ્રામ પંચાયતમાંથી નકશો પાસ કરાવી પરવાનગી મેળવ્યા બાદ જ બાંધકામ ચાલુ કર્યું છે. જે માટે પાણીનાં બોરીંગમાં કેમીકલવાળું પાણી આવે છે ત્યારે જાવદુલહક્ક ખાન ધમકી આપે છે કે તારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કરજે પણ તું ફરીયાદ કરશે તે બાદ હું તને જીવતો છોડીશ નહી. તને જાનથી મારી નાખીશ. મારી GPCB માં પણ પોલીસ જેટલી જ ઓળખાણ છે. મારું કોઈ કાંઈ કરી લેવાનું નથી તું તારું કામ બંધ કરી દે એમાં જ તારી ભલાઈ છે.
ઉલ્લેખનીય છે કે વાપી નજીક કરવડ ગામમાં તેમજ ડુંગરા વિસ્તાર, છીરી, છરવાડા, ચણોદ, બલિઠા, સલવાવ જેવા ગામમાં બિલાડીની ટોપ ની જેમ અનેક ભંગારીયાઓ વાપીની કેમિકલ ફેક્ટરીઓમાંથી કેમિકલ વેસ્ટ, સ્લજ લાવી આ વિસ્તારની જમીનોમાં ધરબી રહ્યા છે. જેમની સામે GPCB અને પોલીસ વિભાગ બધું જ જાણતા હોવા છતાં પૈસાના જોરે માથાભારે બનેલા ભંગારીયાઓ સામે કાયદાનો દંડો ઉગામી શકતા નથી. બેખૌફ અને બેફામ બનેલા આવા ભંગારીયાઓને પ્રતાપે આજે આ વિસ્તારના ભૂગર્ભ જળ, હવા, અને જમીન મોટાપાયે ખરાબ થઈ ચૂક્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસવડા કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના GPCB ના અધિકારીઓ સાથે આવા ભંગારીયાઓના ગોડાઉનોમાં કોમ્બિન્ગ હાથ ધરી કાયદેરની કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *