Thursday, December 26News That Matters

વાપીમાં ટ્રાફિક નિયમની ફરજ દરમ્યાન મોબાઈલ પર વાતો માં મશગુલ રહે છે હોમગાર્ડ-TRB જવાનો

વાપી :- વાપી શહેરમાં દિવસો દિવસ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ત્યારે મુખ્ય પોઇન્ટ કહેવાતા વાપી ચાર રસ્તા, કોપરલી ચાર રસ્તા, પેપીલોન ચાર રસ્તા, ગોલ્ડ કોઈન સર્કલ પર વાહનોની લાંબી કતારો લાગતી હોવા છતાં ટ્રાફિક નિયમનનું સંચાલન કરનારા ટ્રાફિક જવાનો, હોમગાર્ડ, TRB સતત ફોન પર વાતો કરતા કરતા જ ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. એ ઉપરાંત આરામના સમયમાં પણ ફોનમાં મશગુલ રહે છે.
થોડા સમય પહેલા સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને લઇને શહેર પોલીસ કમિશનરે ચાલુ ફરજ પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. આ નવા ફરમાન મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી ચાલુ નોકરીએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. તો આ કડક અમલવારી માટે કેટલાક ટ્રાફિક જવાનો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
જો કે વાપીમાં આવો કોઈ નિયમ ના હોય ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક જવાનો, હોમગાર્ડ અને TRB ફાટીને ધુમાડે ગયા છે. વાહનચાલકો સાથે ગાળાગાળી કરવી, હેરાન પરેશાન કરવા, તમામ દસ્તાવેજ હોવા છતાં બાઇકની કે અન્ય વાહનોની ચાવી પોતાના ગજવામાં નાખી રૌફ બતાવવો જેવી બાબતો દરેક મુખ્ય પોઇન્ટ પર બની રહી છે. આ તમામ ઘટનાઓ સાથે મોંઘા મોબાઈલ પર સતત બીજી રહી છાકા છોડવામાં પણ આ ટ્રાફિક જવાનો માહેર છે.
વાપીમાં વાપી ચાર રસ્તા, કોપરલી ચાર રસ્તા, પેપીલોન ચોકડી, via ચાર રસ્તા અને ગોલ્ડ કોઈન સર્કલ મુખ્ય ટ્રાફિક પોઇન્ટ છે. દરેક પોઇન્ટ પર ઓછામાં ઓછા 2 ટ્રાફિક જવાનો, 2 TRB, 2 હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. ટ્રાફિક સમસ્યા પણ વકરતી સમસ્યા છે. આ તમામ પોઇન્ટ પર ટ્રાફિક નિયમન કરનારા જવાનો મોટાભાગે ફરજને પ્રાધાન્ય આપવાને બદલે મોબાઈલ પર વધુ મશગુલ રહે છે. એમાં પણ જે યુવતીઓ ફરજ બજાવે છે તે તો સતત ફોન પર બિઝી રહે છે. એટલે સુધી કે ટ્રાફિકને રોકતી સમયે તેમજ જવા દેવાના સમયે પણ એક હાથ ફોન પર રાખી વાતો કરતી કરતી જ ફરજ નિભાવે છે.
આરામની પળોમાં પણ સતત ફોન પર મશગુલ રહે છે. ત્યારે આટલી બધી વાતો કોની સાથે કરતી હશે તે સવાલ પસાર થતા વાહનચાલકોમાં ઉઠી રહ્યા છે. ફોન પર વાત કરતી વખતે ક્યારેક 2 મિનિટમાં ટ્રાફિક સિગ્નલ આપવાને બદલે 5 મિનિટ સુધી વાહનચાલકોએ પણ પેટ્રોલ, ડિઝલનો ધુમાડો કરવો પડી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના બાહોશ જિલ્લા પોલીસ વડા આ બાબતે પણ સુરતની જેમ વાપી શહેરમાં ટ્રાફિકના નિયમોની કડક અમલવારીને પ્રાધાન્ય આપી ચાલુ ફરજ પર ફોન પર વાતો કરતાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કરે તેવી માંગ વાહનચાલકોમાં ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *