Friday, December 27News That Matters

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……

રાજ્યમાં થયેલા નકલી દારૂના કાંડમાં (લઠ્ઠા કાંડ) 36 લોકોના મૃત્યુ થયા છે. શરાબ પ્યાસીઓને દારૂના નામે કેમિકલ આપી ઠગવામાં આવતા હતા, પરંતુ તે ખેલ ઉલ્ટો પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 50થી વધુ લોકોની તબિયત ખરાબ થઈ છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે, ત્યારે આપને જણાવીશું કે, શું છે આ દેશી દારુ?  અને કેવી રીતે તે લઠ્ઠો બની જાય છે. જાણો તે અંગેની કેટલીક જાણી-અજાણી વાતો…..

 

સમગ્ર ગુજરાતનું એવુ ભાગ્યે જ કોઇ ગામ હશે કે જ્યાં દેશી દારુના બંધાણીઓ નહી હોય. તો ગુજરાતના તમામ શહેરોમાં દેશી દારુની હજારો ભઠ્ઠીઓ બેરોકટોક ધમધમી રહી છે. બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે.

આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને શરાબની લતે ચડેલાઓને આપવામાં આવ્યું હતું, જેને કારણે 36 લોકોનો ભોગ લેવાયો છે. ભોગ બનનારાઓ જે વ્યક્તિઓ દારૂ સમજીને જે પી રહ્યા હતા, તે ખરેખર દારૂ નહીં પરંતુ મિથેનોલ નામનું કેમિકલ હતું. આ નકલી દારૂમાં 99 ટકા કેમિકલ હોવાનું પોલીસનું માનવું છે.

રાજ્યમાં દેશી દારૂને લઈને વારંવાર આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. ઘણી ઘટનાઓ એવી હોય છે, જેના કારણે માત્ર રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં હાહાકાર મચી જતો હોય છે. બોટાદ સહિત અમદાવાદના ધંધુકામાં બનેલી લઠ્ઠાની ઘટનાએ હાલ ગુજરાતમાં ચકચાર જગાવી છે.  ખરાબ ગોળ કે સડેલાં ફળોના આથામાં વોશ નાંખી ઉકાળો એટલે દેશી દારુ તૈયાર થાય છે. રાસાયણિક ભાષામાં દેશી દારુ એ ઈથેનોલ છે. ઈથેનોલ જ્વલનશીલ હોય છે. તે માણસની નર્વસ સિસ્ટમને ઉત્તેજીત કરે છે. એટલે જ તેને પીધાં બાદ લોકોને નશાનો અનુભવ થાય છે. જો ટેમ્પરેચર વધી જાય તો ઈથેનોલનું મિથેનોલમાં રુપાંતર થઈ જાય છે. આ મિથેનોલ એટલે જ…. લઠ્ઠો…..

ઇથેનોલમાથી રૂપાંતરીત પામેલું મિથેનોલ એ એક પ્રકારનું ઝેર છે. જે માનવ શરીરમાં પ્રવેશતાં જ તે પ્રોટીનનું બંધારણ તોડી નાંખે છે. તેની સૌથી પહેલી અસર થાય છે આંખના પડદા પર અને એટલે જ લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં લોકો મોટાભાગે દ્રષ્ટિ ગુમાવે છે. મિથેનોલનાં કારણે લીવર ડેમેજ થઈ જાય છે.

દેશી દારુની ભઠ્ઠીઓ ચલાવતા બુટલેગર ઘણીવાર દેશી દારુમાં મેન્ડ્રેક્સ, ગાય-ભેંસની પ્રજોત્તપત્તિ માટે વપરાતાં ઓક્સિટોસીનનાં ઈન્જેક્શન, પાવર સેલ વગેરે જેવી ખતરનાક ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરતાં અચકાતાં નથી. આ દારુ નહીં પણ ઝેર છે. અને આ ઝેર એ જ લઠ્ઠો કે જેના પીધા પછી ઘણીવાર માણસ કાયમ માટે પોતાનો જીવ ખોઇ બેસે છે. જો કે આખરે તો, દેશી દારુનું સેવન દારુડીયાઓ માટે ધીમુ ઝેર જ છે. જે લઠ્ઠાની જેમ તાત્કાલિક નહી તો ધીમે ધીમે પણ મારે જરૂર છે. લઠ્ઠાકાંડની ઘટના ગુજરાત સહીત દેશમાં દર વર્ષે ક્ંયાકને ક્યાંક તો જરૂર બને છે. પરંતુ તેમ છતા દારુની લત અને તલબના પ્યાસીઓ માટે તે દાખલારૂપ બનતી નથી એ શરમની વાત છે.

ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં જે લોકોના મૃત્યુ થયા છે તે લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મીથાઈલ આલ્કોહોલ હોવાનું કન્ટેન્ટ સામે આવ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ લઠ્ઠાકાંડમાં જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *