વાપી GIDCમાં 4th ફેઈઝ વિસ્તારમાં બીલખાડી એરિયા, રામજી પેપર મિલની બાજુમાં આવેલ પ્લોટ નંબર 6306માં કાર્યરત સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી શનિવારે રાત્રે 00:30 વાગ્યા આસપાસ ગેસ લીક હતો. જેને કારણે નજીકમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા દિલીપ હળપતિ, મુકેશ બસ્તા સહિત 3 કામદારોને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે GPCB દ્વારા સોમવારે સ્વપ્નિલ કંપનીમાં તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ને સુપ્રત કર્યો છે.
સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીમાંથી થયેલ ગેસ લિકમાં ગુજરાત પોલીબોન્ડના 3 કામદારોને ગેસની અસર થઈ હતી. જેમાં મુકેશ બસ્તા અને દિલીપ હળપતિને ખાનગી હોસ્પિટલના ICU માં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. ઘટના અંગે તેઓએ જણાવ્યું હતું કે કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ પર આવ્યા હતાં. ત્યારે રાત્રે 12 વાગ્યા બાદ અચાનક જ નજીકમાં આવેલ પ્લોટ નંબર 6306માં કાર્યરત સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ગેસ છૂટ્યો હતો. જે ગેસ ત્રીજા માળે કામ કરતા 3 કર્મચારીઓને લાગતા તેઓની છાતી પર દબાણ વધ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઉબકા આવતા હતા અને બ્લડ પ્રેશર વધી ગયું હતું. તાત્કાલિક કંપની માલીક વિઠ્ઠલભાઇ બાબરીયા અને ભાવેશભાઈને જાણ કરતા કંપની પર પહોંચી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં.
ગેસ લિકની આ ઘટનામાં ગેસ નજીકની ડાય કેમ પ્રોડકટ બનાવતી સ્વપ્નિલ ઓર્ગેનિક્સ નામની કંપનીમાંથી આવ્યો હતો. જેની અસર કંપનીના કામદારોને થઈ હતી. જે અંગે સ્વપ્નિલ ઓર્ગેનિક્સમાં સિક્યુરિટીને અને સંચાલક રમણ ભાઈને જાણ કરી હતી. જો કે શરૂઆતમાં તેઓએ આ ગેસ તેમની કંપનીમાંથી છૂટ્યો નથી તેવા ગલ્લાતલ્લા કર્યા બાદ કબુલ્યું હતું કે કંપની માં વેસેલ્સ અથવા મશીનમાં ખામી સર્જાતા ગેસ લીકેજ થયો છે.
સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપની ની આ બેદરકારી અંગે ગેસનો ભોગ બનનાર કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકો ખૂબ જ નફ્ફટ છે. તેઓ અવારનવાર રાત્રે ગેસ છોડતા હોય છે. આ પહેલા પણ આવી જ રીતે ગેસ છોડતા તેની સામાન્ય અસર વર્તાઈ હતી. આ અંગે ગુજરાત પોલીબોન્ડના વિઠ્ઠલ ભાઈને પણ કામદારોએ રાવ કરી હતી.
જો કે આખરે 3 કર્મચારીઓને ગેસ લાગવાની ઘટના બહાર આવ્યા બાદ GPCB પણ હરકતમાં આવી છે. આ મામલે સોમવારે અધિકારીઓએ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીમાં પહોંચી ગેસ લીક થયો એ બાબતે ઝીણવટભરી તપાસ કરી, સંચાલકોની પૂછપરછ કરી રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગરને સુપ્રત કર્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે વાપી GIDC માં 4th ફેઈઝમાં પ્લોટ નંબર 6306માં આવેલ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના સંચાલકોની બેદરકારી અને રાત્રીના સમયે ગેસ છોડવાની બદદાનત સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી આખા મામલાને રફેદફે કરી કંપનીને ક્લીનચીટ આપશે.