વાપીમાં GIDC વિસ્તારમાં દમણગંગા નદી કિનારે આકાર લેનારા ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે ફાળવાયેલ 200થી વધુ એકરની જમીનમાં થોડા દિવસ પહેલાં એક ઉદ્યોગ ગ્રુપે ઝાડ કાપવાની મંજૂરી લઈ ઝાડ કાપવાની શરૂઆત કરી હતી. સાગ સહિતના 5000 જેટલા ઝાડ કાપવાની આ કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. આગામી દિવસોમાં અહીં પ્લોટનું વિભાજન કરી બાંધકામ નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા દમણગંગા નદી કિનારા નજીક GIDC એ જમીન ફળવ્યા બાદ એક ઉદ્યોગ ગ્રુપે આ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું હતું. વર્ષ 2022માં 200 થી વધુ એકરની કરોડોની કિંમતની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. જે માટે વાપી જીઆઇડીસી કચેરી મારફતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપીની ખાનગી કંપનીએ 5000 કરોડના MOU કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 87 હેકટરમાં ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ સહિતના એકમો આવશે. અને ટ્રાન્સપોર્ટના આવાગમનને ધ્યાને રાખી 15થી 17 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવશે. આ જમીન કુલ 8,72,866 ચોરસ મીટર છે. જેને ખાનગી કંપનીને 26,16,80,100 રૂપિયામાં આપવાનું GIDC એ નક્કી કર્યું હતું. પરન્તુ ખાનગી કંપનીએ કેટલાક સલાહકારોની સલાહ લઈ તડજોડ કરી માત્ર 60 લાખમાં મેળવી લીધી હતી.
આ જમીન પર હાલમાં જે કિંમતી સાગ ના વૃક્ષો છે. તેની જ કિંમત 9 થી 10 કરોડ થાય છે. તેમજ 18 વર્ષ સુધી વણવાપરવા પેટે 28 ટકા લેખે 1,17,06,87,880 રૂપિયા અને ફરી તેના પર 18 ટકા વ્યાજ લેખે 21,07,23,820 રૂપિયા મળી કુલ 1,38,14,11,700 રૂપિયા જેવી માતબર રકમનો દંડ ભરવાની નોબત આવી હતી. આ તમામ રકમ GIDC એ માફ કરી દીધી છે. નોટિફાઇડ વિભાગે પણ ટેક્ષના 20,83,48,757 રૂપિયા માફ કરી માત્ર 5,20,87,189 રૂપિયાનું ચુકવણું કરાવી NOC આપી દીધી છે.
હવે આ તમામ ઝાડ કાપી તેનો સફાયો કરી નાખવામાં આવ્યો છે. જેને લઈને આ કાળઝાળ ગરમીમાં અહીં વર્ષોથી વસવાટ કરતા પશુપક્ષીઓનું આશ્રય સ્થાન છીનવાયું છે. આગામી દિવસોમાં ઉદ્યોગ સ્થપાયા બાદ વાપીના પ્રદૂષણમાં બેફામ વધારો થશે. તેવી ચિંતા પર્યાવરણ પ્રેમીઓમાં ઉદ્દભવી છે.