વાપીમાં સપ્તાહ પહેલા નિહાલ એન્જીનીયરીંગ કંપનીના માલિક સહિત 4 લોકોએ 4 સગીર યુવકોને ચોરીના ગુન્હામાં અર્ધનગ્ન કરી ઢોર માર મારવાનો કિસ્સો હજુ શમ્યો નથી. ત્યાં જ વાપીની ફાયર સહિતની સેફટીના મામલે બદનામ વાઈટલ હેલ્થકેર કંપનીના 4 લોકોએ એક શ્રમિકને ચોરીની શંકામાં 2 દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ વાઈટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સરોજ નામના શ્રમિકે વાપી GIDC પોલીસ મથકમાં રજુઆત કરી છે કે, ગત શનિવાર-રવિવાર 2 દિવસ સુધી કંપનીના શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્ટ્રકટર રાહુલ અને સિક્યુરિટી ગાર્ડે તેને ગોંધી રાખી કંપનીમાં અને છીરીની એક રૂમમાં પુરી ઢોર માર માર્યો છે. માર મારનારાઓએ તેમના પર વાલ્વની ચોરીની શંકા રાખી આ માર માર્યો હતો. સાથે જ જે ચોરી તેમણે કરી નથી તે ચોરીની કબૂલાત કરાવી રિઝાઇન લેટર લખાવી લેતા હાલ તેનો પરિવાર નોંધારો બન્યો છે.
જ્યારે આ ચકચાર જગાવતી ઘટના અંગે વાઈટલ કંપનીના શંકર બજાજ અને સંજય ડોડીયાનો સંપર્ક કરી વિગતો મેળવવા પ્રયાસ કરતા તેઓએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેઓએ કોઈ કર્મચારીને માર માર્યો નથી. પરંતુ, કંપનીમાં છેલ્લા આઠેક મહિનાથી 10 હજારની કિંમતના 25થી વધુ વાલ્વ ચોરાયા હતા જે ધ્યાને આવ્યા બાદ કંપની ના લેબર કોન્ટ્રાકટર રાહુલને ચોરી અંગે ચેતવણી આપી હતી.
રાહુલે તે બાદ તે અંગે વોચ ગોઠવતા તેના 2 કર્મચારીઓ પૈકી એક કર્મચારી વાલ્વ ને ચોરીછુપીથી લઈ જતા પકડાયો હતો. અને તેની પૂછપરછ કરતા તેણે સુનિલ સરોજનું નામ આપ્યું હતું. એટલે આ મામલે તેઓએ નહિ પરંતુ કોન્ટ્રાકટર રાહુલે શ્રમિકને માર માર્યો હોય શકે છે. આ બાબતે તેઓ અજાણ હોવાનો રાગ આલાપ્યો હતો. ચોરીની બનતી ઘટનાઓ અંગે કંપની વતી તેઓ દ્વારા 6 જાન્યુઆરીના રોજ GIDC પોલીસ મથકમાં જાણવાજોગ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.
કર્મચારી સુનિલ સરોજનું કહેવું છે કે તે નિર્દોષ છે. તેમ છતાં તેની યોગ્ય તપાસ કરવાને બદલે જે હરિ મંગળ નામનો વ્યક્તિ ચોરી કરતા પકડાયો તેણે તેનું ખોટું નામ આપી દેતા ચોરીની શંકામાં તેમને ઘરેથી કંપની પર બોલાવી શંકર, સંજય, રાહુલ અને સિકયુરિટીએ લાકડા વડે બરડાંમાં, કુલા પર, સાથળ પર માર માર્યો હતો. જે બાદ લેબર કોન્ટ્રાકટર રાહુલે તેને છીરીની એક રૂમમાં લઈ જઈ ત્યાં કપડા કાઢી ફરી માર માર્યો હતો. આ લોકોએ એને એટલો માર્યો હતો કે 5 જેટલા ડંડા તૂટી ગયા હતાં. માર થી કણસતા રાહુલે વાપી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
એક તરફ હાલમાં જ વાપીની નિહાલ એન્જીનીયરીંગ નામની કંપની માં ચોરીની શંકામાં કંપની માલિકો સહિત 4 લોકોએ 4 સગીર બાળકોને અર્ધનગ્ન કરી એકબીજા પાસે માર મરાવ્યો હોય એ ઘટનામાં પોલીસે કંપની માલિક સહિત 4 સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આવા ગુન્હામાં કાયદો હાથમાં લેતા પહેલા પોલીસ નો સંપર્ક કરો, આવા કિસ્સામાં પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેવી અપીલ કરી હતી. ત્યારે વર્ષોથી કંપનીમાં ફાયર સેફટી કે કર્મચારીઓ માટેની સેફટીમાં બદનામ બનેલી તેમજ આવી ઘટનાઓમાં નામચીન વાઈટલ હેલ્થકેર લેબોરેટરીના મેનેજર કક્ષાના લોકોએ અને લેબર કોન્ટ્રાકટર, સિક્યુરિટીએ કાયદો હાથમાં લઈ એક કામદારને ઢોર માર્યો હોય આ અંગે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી દુધનું દૂધ અને પાણીનું પાણી કરતી તપાસ કરે તેવી માંગ કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ઉઠી છે.