વાપીના ડુંગરી ફળિયાના એક ગોડાઉનમાંથી GIDC પોલીસે 98 લાખના ગુટખા ઝડપી પાડ્યા હતા. આ ગુટખાના જથ્થા બાદ વધુ એક કન્ટેનરમાંથી 25,84,080 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડી પાડી કન્ટેનર ચાલક અને ટ્રાન્સપોર્ટના મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપી જી.આઇ.ડી.સી. પોલીસને બાતમી મળી હતી કે, ફસ્ટ ફેઈઝમાં દિલેશ કોમ્પલેક્ષ દુકાન નં-09માં આવેલ ક્રિયા શક્તિ લોજીસ્ટીક ટ્રાન્સ્પોર્ટની સામે જાહેર રોડ પર કન્ટેનર ચાલક સૌરાબ જેનુ ખાનના કબ્જાના RJ14-GL-1621 નંબર ના કન્ટેનરમાં આધાર પુરાવા વગર પાન મસાલા ગુટખાનો જથ્થો ભરેલો છે. જે બાતમી આધારે પોલીસે કન્ટેનર ચાલકની અટક કરી કન્ટેનરમાં તપાસ કરતા કુલ 25,84,080 રૂપિયાનો પ્રતિબંધિત અને બિલ પુરાવા વગરનો ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તાત્કાલિક ડ્રાઇવરની પૂછપરછ કર્યા બાદ ક્રિયા શક્તિ લોજીસ્ટીક ટ્રાન્સ્પોટના મેનેજર નરેન્દ્ર રાજકરણ સિંઘની પણ અટક કરી હતી. તેમજ 15 લાખની ટ્રક, 25,84,080 રૂપિયાના ગુટખાનો જથ્થો મળી કુલ 40,94,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલ આરોપીઓને સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ તેમજ મુદ્દામાલ સી આર પી સી કલમ 102 મુજબ કબ્જે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, GST વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાધેલા તથા બી.એન.દવે, નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગનાઓએ પોલીસ ઇન્સ્પેકટર વી.જી.ભરવાડને આપેલ સૂચના અને માર્ગદર્શન અ.હે.કો. શૈલેષભાઇ ઓધવજીભાઇ તથા અ.પો.કો. જયસુખ કરશનભાઇ તથા આ પો.કો. હરીશ ક્રમરૂલ ખાનએ ટીમ વર્કથી આ પ્રશંસનીય કામગીરી કરી છે.