વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતૃશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે 29માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયેલ આ રક્તદાન કેમ્પમાં પુરુષ અને મહિલા રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ 384 યુનિટ રક્ત એકત્ર થયું હતું. જે વલસાડની ત્રણ બ્લડબેન્કને સરખે ભાગે સુપ્રત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 27 વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત શુક્રવારે 10 જાન્યુઆરી 2025ના આયોજિત 29માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓએ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ 384 યુનિટ રક્તનું દાન કર્યું હતું.
રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર મેનેજર રીકેન ટંડેલે જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે વર્ષ 1998થી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે નિમિત્તે આ 29મો રક્તદાન કેમ્પ હતો. 27 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પ થકી વર્ષ 2013 થી વર્ષ 2023 સુધીમાં અંદાજીત 9 હજાર જેટલા યુનિટ રક્ત એકત્ર કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે.
જિલ્લાની બ્લડ બેંકમાં થતી લોહીની ઘટ પુરવા મહત્તમ પ્રયાસ કરવો. વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદેશ્ય છે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ રક્તદાન શિબિરની સરાહના કરતા જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝ ભારતની વિખ્યાત અને ક્વોલિટી સભર પ્રોડક્ટ બનાવતી કંપની છે. જેના વાપીમાં આવેલ યુનિટ ખાતે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં દરેક વખતે 500 થી 1000 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવે છે. જેનાથી રક્તકેન્દ્રમાં લોહીની ઘટ નિવારી શકાય છે. આવા સુંદર કાર્યમાં કંપનીના કર્મચારીઓ પણ રક્તદાન કરી ઉમદા ફરજ નિભાવી રહ્યા છે.
આરતી ગ્રુપ હંમેશા સેફટી, એન્વાયરમેન્ટ, CSR માં અગ્રેસર રહ્યું છે. અને જ્યારે જ્યારે બ્લડ બેન્કમાં બ્લડની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે આ રીતે કેમ્પ યોજી રક્તની ઘટ નિવારવાનો મહત્તમ પ્રયાસ કરે છે. આ ઉપરાંત આરતી ગ્રુપ દ્વારા ગુજરાત, ઝારખંડ, બિહારમાં સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ આખું વર્ષ શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક વનીકરણ, સ્ત્રી-સશક્તિકરણના અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વાપી GIDC માં આરતી કંપની દ્વારા 11 જેટલા ગાર્ડન ને દત્તક લઈ તેની માવજતની તમામ જવાબદારી ઉપાડી પર્યાવરણ ક્ષેત્રે અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 29માં રક્તદાન કેમ્પમાં આરતી ગ્રુપના સંચાલકો, સિનિયર કર્મચારીઓ ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ રક્તદાતાઓની સેવાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.