Friday, January 31News That Matters

વાપી GIDCની ઇન્ડિયન બેંકના ATM માંથી 15.26 લાખની ઉચાપત કરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ

વાપી GIDCમાં આવેલ ઇન્ડિયન બેંકના ATM મશીનમાંથી 15,26,500 રૂપિયાની ઉચાપત કરનાર બેંક ના જ આસિસ્ટન્ટ મેનેજર સામે બ્રાન્ચ મેનેજરે ફરિયાદ કરતા GIDC પોલીસે આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમારની ધરપકડ કરી ઉચાપત કરેલા પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો છે. અથવા ક્યાં સંતાડેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ અંગે વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે એ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાપીના ઇમરાન નગર ખાતે રહેતા અને GIDC ખાતે ઇન્ડિયન બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા દિલીપકુમાર વિજયકુમાર મિશ્રાએ શુક્રવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બેંકમાં લગાવેલ ATM મશીનમાં રૂપિયા જમા કરવા અને બેંકના ATM માં જમા થયેલ રૂપિયાનો હિસાબ બેંકમાં આપવા માટે આલોકકુમાર સિંહને જવાબદારી સોંપી હતી. જેમણે બેંકના ATM ના પાસવર્ડ આધારે કુલ 15,26,500 રૂપિયાની ઉચાપત કરી છે.
આલોકકુમાર સિંહ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પણ ફરજ બજાવે છે. જો કે છેલ્લા ઘણા સમયથી બ્રાન્ચ મેનેજરના ધ્યાને આવ્યું હતું કે, ATM મશીનમાં જમા થયેલ કે ઉપડેલ પૈસાનો હિસાબ મળતો નહોતો. જેથી તે અંગે તપાસ હાથ હતી. જેમાં ATM માં લગાવેલ CCTV માં આલોક કુમાર બેંકના ATM માં જમા કરવાના પૈસા ચોરતો ઝડપાઇ ગયો હતો. બેંકના ATM માં પૈસાના હિસાબ માટે તેના પાસવર્ડ પણ તેમની પાસે હોય તેમણે આ કૃત્ય કર્યું હતું.
જે બાદ તેની સામે વાપી GIDC પોલીસ મથકમાં બેંકના બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવતા GIDC પોલીસે આલોકકુમાર સિંહની ધરપકડ કરી છે. આલોકે કેટલા સમયમાં આ પૈસાની ચોરી કરી છે. એ પૈસા ક્યાં વપરાયા છે. કે ક્યાંય સંતાડેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *