Saturday, December 21News That Matters

વાપી GIDCમાં ગ્રીન સ્પેસ પચાવવાનો ખેલ, જેટકોની GIDC માં જતી ઓવરહેડ વિજલાઈનને અન્ડરગ્રાઉન્ડ કરાશે!

વાપીમાં રેમન્ડ સર્કલ ખાતે રવિવારે રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે GIDC (Gujarat Industrial Development Corporation) માં જતી જેટકો (Gujarat Energy Transmission Corporation Limited) GETCOની 5 કિલોમીટરની 66 KV ની હાઈટેંશન વીજલાઈનને 21.44 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.
વાપી GIDC માં બલિઠા સ્થિત (Gujarat Energy Transmission Corporation Limited) GETCOની 66 KV હાઈ ટેંશન લાઇન વાપી GIDC ના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે. જેમાં લાઇન નંબર 1, 2ની 3 કિલોમીટર તેમજ 4th ફેઈઝની 2 કિલોમીટરની (કુલ 5 કિલોમીટરની) ઓવરહેડ વિજલાઈનને કન્વર્ટ કરી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે તો વિજલાઈન નીચે રહેલી ગ્રીન સ્પેસની કિંમતી જમીન અન્ય હેતુ માટે અંકિત કરી શકાય તેવા ઉદ્દેશ્યથી GIDC-નોટિફાઇડના અધિકારીઓ, ઔદ્યોગિક એકમના ઉદ્યોગકારોએ જેટકોમાં અને સરકાર માં રજુઆત કરી હતી. ત્યારે સરકારમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો તેમજ નાણાંનો હવાલો વાપીના જ ધારાસભ્ય કનુંભાઈ દેસાઈ સંભાળતા હોય આ રજુઆત પર મહોર મારી રવિવારે તેમના હસ્તે જ ઓવરહેડ વીજ લાઈનને કન્વર્ટ કરી 21.44 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું ખાત મુહરત કર્યું હતું.
ખાત મુહરત પ્રસંગે ઉપસ્થિત નોટિફાઇડના અધિકારીઓ, ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારો, બિલ્ડરોની હાજરીમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપી GIDC સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. અહીંના ઉદ્યોગકારોએ સરકાર સાથે રહી અનેક વિકાસના કાર્યમાં સહકાર આપ્યો છે. તેમની રજુઆત હતી કે આ વિજલાઈન બ્યુટીફીકેશન અને જાહેર સલામતી માટે ખતરારૂપ છે. એટલે તાત્કાલિક નિર્ણય લઈ અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે. મેં મહિના સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
જો કે આ કામગીરીનું રવિવારે ખાત મુહરત થતા જ ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, બિલ્ડરોના મોઢા પર સ્મિત ફરક્યું હતું. કેમ કે આ વીજ લાઈનને કારણે તેની નીચેની જમીન ગ્રીન સ્પેસ માટે ક-મને છોડવી પડી છે. કેટલીક જમીન પર વળી GIDC, નોટિફાઇડ, VIA એ નામ માત્રના બગીચા બનાવી બ્યુટીફીકેશનના બણગાં ફૂંકયા છે. જે જમીન હવે અન્ય હેતુ માટે ઉપયોગમાં લઇ શકાય તેમાં બીજી કોઈ અડચણ ના આવે તે માટે અહીંની હાઈ ટેંશન લાઈનને ખસેડાયા બાદ તેને નેશનલ હાઇવેને સમાંતર અન્ડરગ્રાઉન્ડ કરાશે.
વાપીમાં વર્ષોથી આ હાઈ ટેંશન વીજ લાઇન નીચેની જમીન વાપીના મોટા ઉદ્યોગપતિઓએ કે બિલ્ડરોએ પચાવી પાડી છે. ગુંજન વિસ્તારમાં આ લાઇન નીચેની જમીન કોઈપણ સલામતી વિના કે મંજૂરી વિના પચાવી પાડી તેમાં પાર્કિંગ પ્લોટ કે શોપિંગ મોલ ઉભા કરી દીધા છે. ક્યાંક તો વળી હોસ્પિટલ પણ આ લાઇન નજીક જ ઉભી કરી દીધી છે. જેઓને હવે ફાવતું મળી જશે. જ્યારે હાઇવે નજીક અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કર્યા બાદ જો આગામી દિવસોમાં હાઇવેનું વિસ્તૃતિકરણ થશે તો ત્યારે આ અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈનનું શુ થશે? શુ એને ફરી ઓવરહેડ કરવામાં આવશે? કે પછી તેના પરથી જ નવો રોડ બનાવવામાં આવશે? તેવા પ્રશ્નો આમ જનતામાં ઉઠ્યા છે.
જો કે હાલ તો લગડી સમાન જમીન ખુલ્લી કરી હાઇવેને સમાંતર અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કરી GIDC ના ઉદ્યોગોને વીજપુરવઠો પૂરો પાડવો એ નેમ જ હોય આ પ્રોજેક્ટના 21.44 કરોડની રકમ પૈકી 40 ટકા રકમ એટલે કે અંદાજિત 8.57 કરોડ રકમ GIDC એ જમા કરાવી છે. બાકીની 60 ટકા રકમ aii સ્કીમમાંથી ખર્ચ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *