Saturday, December 28News That Matters

દમણ ટૂ નાસિક વાયા વાપી રેલવે લાઇન પ્રોજેકટ માટે હજુ દિલ્લી દૂર છે. પ્રોજેકટ ઓછા ટ્રાફિકના અંદાજે અભેરાઈ પર ચડે તેવી શકયતા?

રેલવે મંત્રાલય દ્વારા થોડા સમય પહેલા દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇન માટે સર્વેક્ષણ હાથ ધરાયુ હતું. જો કે, હવે જાણવા મળતી વિગતો મુજબ આ રૂટ પર ઓછા ટ્રાફિકનો અંદાજ કાઢી હાલ પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે.રેલવે મંત્રાલય દ્વારા દમણ-વાપી-નાસિક (210) કિલોમીટરની નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો પ્રોજેકટ હાથ ધરી સર્વે શરૂ કર્યો હતો. જે સર્વે હાલ માં જ પૂર્ણ થયો છે. પરંતુ પ્રોજેક્ટના સર્વેમાં આ રૂટ પર ઓછો ટ્રાફિક મળી શકે છે. તેવો અંદાજ સામે આવ્યો છે. તેવું લોકસભાના ચાલુ સત્રમાં રેલવે મંત્રાલયે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

દમણ-વાપી-નાસિક (210 કિમી) નવી રેલ્વે લાઇનના નિર્માણ માટેનો સર્વે થોડા સમય પહેલા શરૂ કર્યા બાદ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ રૂટ પર વાપી એ હાલનું રેલ્વે મુંબઈ થી સુરત-અમદાવાદ વચ્ચેનું A ગ્રેડનું મહત્વનું રેલવે સ્ટેશન છે. વાપી થી દમણ માત્ર 11 કિમી દૂર છે.  જ્યારે નાસિક 200 કિલોમીટર દૂર છે. જેથી દમણ થી નાસિક વાયા વાપી રૂટ પર રેલવે સેવા શરૂ કરવા સર્વે હાથ ધરાયો હતો. એવો જ બીજો સર્વે 10 કિલોમીટર દૂર દિવ દેલવાડા રેલ્વે સ્ટેશનને જોડી રેલ નેટવર્ક દ્વારા ઉના સાથે જોડવાની પણ કવાયત હાથ ધરાયેલ હતી.

જો કે, આ બંને પ્રોજેકટ અંગે રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે, રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવી એ ભારતીય રેલ્વેની સતત અને ગતિશીલ પ્રક્રિયા છે. જેમાં હાલ રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેને લગતું મહેનતાણું, લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, ખૂટતી લિંક્સ અને વૈકલ્પિક માર્ગો, ગીચ/સંતૃપ્ત લાઇનોના સામાજિક-આર્થિક વિચારણાઓ પ્રોજેક્ટ્સની જવાબદારીઓ, ભંડોળની ઉપલબ્ધતા અને સ્પર્ધાત્મક માંગને આધારે હાથ ધરવામાં આવે છે. જેમાં હાલમાં જ હાથ ધરાયેલ સર્વેમાં આ રૂટ પર ઓછા ટ્રાફિકનો અંદાજ કાઢી પ્રોજેકટ સ્થગિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દીવ ને ઉના સાથે જોડવા અને દમણ ને વાપી તેમજ ઉદવાડા સાથે જોડવા રેલવે કનેક્ટિવિટી મળે તેવી માંગ દમણ દીવ ના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં રેલ્વે સુવિધા પૂરી પાડવા માટે દમણમાં મોનો રેલ જેવી નાની ટ્રેન દોડાવવામાં આવે, જે ગુજરાતના ઉદવાડાથી કોલક થઈને દમણના કડેયાથી મોટી દમણ સુધી દરિયા કિનારે, જામપોર, દરિયા કિનારે દોડાવવામાં આવે.

ઉપરાંત વાપી (ગુજરાત) રેલ્વે સ્ટેશન સાથે કાલઈ નદીના કિનારે દરિયાકિનારો જોડવો જોઈએ અને દીવ માટે ઉના (ગુજરાત) રેલ્વે સ્ટેશન વિકસાવવું જોઈએ. જેથી કરીને રાજ્યના પ્રવાસીઓ અને રહેવાસીઓને રેલ્વેની સારી સુવિધા મળી શકે, દમણમાં રેલવે પ્રોજેક્ટ મુંબઈ લિન્કની તર્જ પર બનાવવો જોઈએ જેથી પ્રવાસીઓને આકર્ષી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *