Sunday, March 9News That Matters

વાપીમાં અંબામાતા મંદિર નજીક કોપરલી રોડ પર કાર નો કાચ તોડી 2.60 લાખની ચોરી

વાપીના અંબા માતા મંદિર નજીક કોપરલી રોડ પર એક કારનો કાચ તોડી અજાણ્યા ઇસમે 2.60 લાખની ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે કાર માલિકે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC માં એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા 67 વર્ષીય કિશોર શુકલાલ મેહતાએ ફરિયાદ નોંધાવી છે કે, બુધવારે બપોરે તેને મજૂરોના હિસાબના પૈસા ચૂકવવાના હોય ગુંજન વિસ્તારમાં આવેલ એક બેન્કમાંથી 2 લાખ 60 હજાર રૂપિયા કેશ ઉપાડ્યા હતાં.

આ રકમ તેમણે તેમની કારમાં મૂકી છીરી તરફ જવા નીકળ્યા હતાં. ત્યારે, અંબા માતા મંદિર નજીક કોપરલી રોડ પર કાર પાર્ક કરી રોડ પર આવેલ એક વડા પાંવ ની દુકાને પાણીની બોટલ ખરીદવા કારમાંથી ઉતર્યા હતાં. જે દરમ્યાન કોઈ અજાણ્યા ઇસમે કારના ડ્રાઈવર સાઇડના દરવાજાનો કાચ તોડી કારમાં રાખેલ 2.60 લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો.

ઘટના અંગે GIDC પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. ઘટના અંગે ફરિયાદીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસે CCTV અને સર્વેલન્સ ટીમ આધારે રોકડ રકમ ચોરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જો કે, આ ઘટના અંગે લોકોમાં ચર્ચાતી ચર્ચા મુજબ કોન્ટ્રકટર જ્યારે બેન્કમાંથી રોકડ લઈ કારમાં નીકળ્યા હતા. ત્યારે કોપરલી રોડ પર 3 બાઈક સવારે કાર આગળ બાઈક લાવી કાર ચાલકને અટકાવ્યો હતો. અને તે બાદ કાર નો કાચ તોડી કાર ચાલકને ગભરાવી કારમાં મુકેલ રોકડા રૂપિયા લઈ ફરાર થઇ ગયા હતાં. પરંતુ પોલીસ તરફથી આવી કોઈ ઘટનાની પુષ્ટિ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *