વલસાડ જિલ્લાની વાપી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને ઉમેદવાર જાહેર કર્યા છે. કનુભાઈ દેસાઈની કામ કરવાની શૈલી અને પારડી બેઠક ઉપર છેલ્લા 10 વર્ષ દરમ્યાન કરેલા વિકાસના કામો જોઈને વાપી તાલુકા કોગ્રેંસના દિગ્ગજ કોંગી અગ્રણી, ઉદ્યોગપતિ, પૂર્વ નપા નગરસેવક શિરિષ દેસાઈ ભાજપ માં જોડાતા કનું દેસાઈએ તેને આવકારી ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
વાપીની ખોજા સોસાયટીમાં યોજાયેલા એક સમારંભમાં નાણામંત્રી કનુભાઈની ઉપસ્થિતિમાં કોંગ્રેસી અગ્રણી શિરીષ દેસાઈ અને અન્ય કોંગ્રેસી કાર્યકરે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા સામી ચૂંટણીએ કોંગ્રેસમાંથી એક મોટી વિકેટ ખરી ગઈ છે, શિરિષ દેસાઈ વાપી નગરપાલિકામાં વર્ષો સુધી કોર્પોરેટર અને ઉપપ્રમુખ પણ રહી ચૂકયા છે. એજ રીતે વાપીના ઉદ્યોગકારોના સંગઠન VIA ના પ્રમુખ ઉપરાંત સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકયાં છે.
શિરિષ દેસાઈ વાપીમાં વ્યાપક સમર્થન ધરાવે છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં તેમની પકડ મજબુત મનાય છે. તેમના ભાજપ પ્રવેશ બાદ હજુ પણ અન્ય દિગ્ગજ કોંગી અગ્રણી આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય એવા સંકેતો મળી રહ્યાં છે.
આંતરિક સ્તરે ઘણી ઉથલપાથલ ચાલી રહી છે…….
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં આંતરિક સ્તરે ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. તેમાં પણ પારડી બેઠક પર ઉમેદવારોની પસંદગીથી ઘણા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ નારાજ હોવાનું પણ કહેવાય છે. ત્યારે કનું દેસાઈએ વિકાસની રાજનીતિ કરી મંત્રી બન્યા બાદ પણ સતત પ્રજાલક્ષી કાર્ય કરી વાપીમાં અનેક વિકાસના કામ કર્યા છે. જે જોઈ શિરીષ દેસાઈએ ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ચૂંટણીમાં કનું દેસાઈ ત્રીજી વખત જીત મેળવી વધુ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય અને એ વાપી માટે ગૌરવની બાબત બને તેવા વિશ્વાસ સાથે કનુભાઈ વાપીના વધુ વિકાસના કામ કરશે તેવું જણાવ્યું હતું.