Thursday, October 17News That Matters

વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં મબલખ કમાણી કરી તોય એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે

વાપી :- કોરોનાના કપરા કાળમાં જ્યાં નાના વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ હતાં. અથવા તો ગણતરીના કલાકો માટે જ ખુલ્લા રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેની સામે ઉદ્યોગોને 24 કલાક ધમધમતા રાખી પ્રોડક્શન માટે પૂરતી છૂટ મેળવનાર વાપી GIDC ના ઉદ્યોગકારોને હજુ પણ એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની માંગ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિયુષ ગોયલને કરતા મંત્રી અચંબામાં પડી ગયા છે. અને ઉદ્યોગોને જે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે તે તમામની જાણકારી તેમને ઈ મેલ દ્વારા કે લેખિતમાં આપવા સૂચના આપી હતી.

                                                                             5th June 2021 COVID 19 ના કપરા કાળ દરમ્યાન ઉદ્યોગોને તેમના કાર્યમાં કઈ તકલીફ પડી રહી છે તેની જાણકારી મેળવવા માટે તા.1 જૂન 2021 ના દિને, ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં અને ગુજરાત ચેમ્બર ઓફ કૉમેર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તથા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન સાથે મળી એક વિડિઓ કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કોન્ફ્રરન્સમાં વી.આઈ.એ. પ્રમુખ પ્રકાશ ભદ્રાએ કેમિકલ ક્લસ્ટરને રિપ્રેઝન્ટ કરતા ભાગ લીધો હતો. જેમાં કોવિડ 19 ની પ્રથમ લહેર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારે આત્મનિર્ભર પેકેજ પ્રદાન કર્યું હતું જેને લીધે ઉદ્યોગો અને વેપારને ઘણી મદદ મળી હતી, પરંતુ આ બીજી વેવ દરમ્યાન વિનાશ વધુ તીવ્ર છે અને ઇન્ડસ્ટ્રીઝના સભ્યોને પણ ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉદ્યોગને ટકાવી રાખવા ઓછામાં ઓછા એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે આપવાની જરૂરિયાત છે, એવી રજુઆત કરવામાં આવી. 

ભદ્રાએ વધુમાં બફાટ કરતા જણાવ્યું હતું કે, ઉર્જા / વીજ પુરવઠો, પાણી પુરવઠો વગેરે જેવી મોટાભાગની ઉપયોગી સેવા પ્રદાન કરતા પ્રદાતાઓ તેમના બિલમાં લઘુત્તમ શુલ્ક લે છે. હવે ઘણા ઉદ્યોગો ખાસ કરીને ટેક્સટાઇલ, ડાયઝ, 

ઇન્ટરમિડિએટ્સ ક્ષેત્રે કાર્યરત છે અને તેમાંના ઘણાએ માંગના અભાવે તેમની ઉત્પાદન પ્રક્રિયા પણ બંધ કરી દીધી છે. આ ઉદ્યોગોને આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન પણ આ યુટિલિટી બીલોના ન્યૂનતમ શુલ્ક ચૂકવવાની ફરજ પાડવામાં આવે છે, તો, ઉદ્યોગિક ક્ષેત્રને ખાસ માફી આપવા માટે યોગ્ય નીતિ તૈયાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

 

વાપી અને સમગ્ર વલસાડ જિલ્લામાં કોવિડ 19 રોગચાળાના 1 લી અને બીજી લહેર દરમ્યાન ઘણી ખાનગી હોસ્પિટલો ખરાબ રીતે અસરગ્રસ્ત હતી, ઉપરાંત દવાઓ અને ઇન્જેક્શનની ઉપલબ્ધતાના અભાવે તેમણે તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવવાનો સમય આવ્યો હતો, જેના કારણે તેઓ ઘણા દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરવા મજબૂર થયા હતા. આવી જીવન જરૂરી દવાઓ અને ઇન્જેક્શનો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે યોગ્ય સિસ્ટમ તૈયાર કરવા પણ રજુઆત કરવામાં આવી. 

 

COVID 19 રોગચાળાની બીજી વેવ દરમ્યાન મેડિકલ ઓક્સિજનના સ્ટોકમાં અછતને કારણે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને ઉદ્યોગિક વપરાશ માટે ઓકિસજનની સપ્લાય કરવાની રોક લગાવી હતી. હાલના સંજોગો જોતા જણાય છે કે કેસની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે અને તેને કારણે મેડિકલ ઓક્સિજનની માંગમાં પણ ઘટાડો થયો છે. હવે આ સંજોગોને કારણે  ઓક્સિજનના સપ્લાય કરનારાઓ પાસે પૂરતા ગ્રાહકો નથી અને બીજી તરફ ઓક્સિજનની પ્રાપ્યતા ન હોવાને કારણે ઘણા ઉદ્યોગો તેમના એકમો બંધ કરવાની ધાર પર છે, તો ઉદ્યોગિક વપરાશ માટે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં લેતા ઓછામાં ઓછા ફાર્માસ્યુટિકલ્સ અને તેનાથી સંબંધિત ઉત્પાદનો જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદકોને  ઉદ્યોગિક વપરાશ માટે ઓકિસજનની સપ્લાય કરવાની મંજૂરી હોવી જોઈએ એવી પણ વિનંતી કરવામાં આવી. 

વાપીમાં નાની મોટી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે અને તેમાં કોઈક કારણ સર આગ લાગે તો આવા સંજોગોમાં કંપનીના માલિક કે મેનેજરને જવાબદાર ઠેરવી તેમના ઉપર કાર્યવાહી કરી તેમને હેરાન કરવામાં આવે છે, તેમાં બદલાવ કરવો જોઈએ. કોઈપણ  કંપનીની સ્થાપના કરતા પહેલા એન્વાયરમેન્ટ ક્લીયરન્સ સર્ટિફિકેટ લેવું ખુબજ જરૂરી છે, જે મળતા ઘણી વાર મહિનાઓ કે વર્ષ થઇ જાય છે અને તેની કાર્યવાહી દિલ્હીથી કરવામાં આવે છે, હવે આવા સંજોગોમાં નાના ઉદ્યોગોને સમયે સમયે દિલ્હી સુધી જવું આર્થિક અને શારીરિક બંને રીતે પોસાય તેમ નથી તો તેનો પણ ઉપાય કરવો ખુબજ જરૂરી છે. ઉપરાંત કંપનીઓમાં એન્વાયરમેન્ટ ઓડિટ પણ કરવામાં આવે છે, આ ઓડિટ GPCB દ્વારા એપ્રુવ કરેલ સિડ્યુલ ઓડિટર પાસે, દર વર્ષે ઉદ્યોગો દ્વારા કરાવવાનું રહેશે. આ વર્ષે આ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ઘણા બધા ઉદ્યોગો બંધ થઇ ગયા અથવા તો મંદ ગતિએ ચાલુ છે, જેના કારણે પ્રમુખ પ્રકાશ ભદ્રાએ આ ઓડિટ આ વર્ષ પૂરતું રદ કરવા અનુરોધ કર્યો હતો. 

 

ભૂતકાળમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) દ્વારા ઘણા બધા ઉદ્યોગોને મોટી રકમનો દંડ કરેલ હતો અને જે વિષયે અત્યારે માનનીય સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. પરંતુ આ ઉદ્યોગકારો દ્વારા તાત્કાલિક રૂપે આ લાખો – કરોડોની રકમ CPCB પાસે જમા રાખી હતી. ત્યારે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ વિષય પર મુખ્ય નિર્ણય ના લે ત્યાં સુધી આ ડિપોઝિટની રકમ બધા ઉદ્યોગકારોને રિફંડ કરવા માટે રજૂઆત કરી હતી. કોરોનાની બીજી વેવ વખતે જે મુસીબતોનો અને પડકારોનો સામનો કરવો પડ્યો તે જોતા જો આકસ્મિક ત્રીજી વેવ આવે તો તેના માટેની તૈયારી કરી દેવામાં આવી છે.

આ તમામ વિનંતીઓના અનુસંધાનમાં પિયુષ ગોયલ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉદ્યોગોને જે પણ તકલીફોનો સામનો કરવા પડે છે તે તમામની જાણકારી તેમને ઈ મેલ દ્વારા કે લેખિતમાં જણાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ ઉદ્યોગો ચાલુ રહ્યા, પાછલાં બારણે મોટી કમાણી કરી નામ માત્રનું સેવાના નામે દાન કર્યુ, ગણતરીની ઓક્સિજન ડિમાન્ડ પુરી કરી સરકારની આંખમાં ધૂળ નાખી, રસિકરણના બહાને માત્ર ઉદ્યોગકારો અને તેના પરિવારનું જ ભલું કરી રીતસરની ગોબાચારી આચરી હોવા છતાં પણ વાપીના ઉદ્યોગકારોએ કોરોના કાળમાં એક વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ હોલિડે જોઈએ છે. અને માત્ર પોતાનું હિત સાચવવું છે તેવું કામદારો અને લોકોનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *