વાપી ગુંજનમાં વંદે માતરમ ચોક ખાતે વાપી GIDC, વાપી ટાઉન અને વાપી નોટીફાઇડ ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસના અધિર રંજનનું પૂતળું બાળી, સોનિયા ગાંધી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાલમાં દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થયેલા દ્રૌપદી મુર્મુને કોંગ્રેસના અધીર રંજન દ્વારા રાષ્ટ્રપતિને બદલે રાષ્ટ્રપત્ની એવી ટિપ્પણી કરી હોય એ મામલે ભાજપમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જેને લઈને વાપી ભાજપ સંગઠન દ્વારા અધિર રંજનનું પૂતળું બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી હાય હાય, સોનિયા ગાંધી માફી માંગે, અધીર રંજન માફી માંગે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
જો કે, કાર્યક્રમ દરમ્યાન વાપી ભાજપ સંગઠનના હોદેદારો કાર્યકરો જોડાયા હતા. જેઓ સોનિયા ગાંધી માફી માંગે માફી માંગે, સોનિયા ગાંધી હાય હાય જેવા સુત્રોચાર કરતા હતા ત્યારે કોઈક દ્વારા સોનિયા ગાંધી અમર રહે એવું બોલી ઉઠતા આ બફાટને પગલે રમુજી ચર્ચાઓ થઈ હતી.
વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, જિલ્લાના વિવિધ સંગઠન અને મોરચાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા GIDC પોલીસના જવાનો ખડેપગે રહ્યા હતાં. જેઓએ ભાજપ દ્વારા અધિર રંજનના પૂતળાનું દહન કરતા જ પુતળાને ઝુંટવી લઈ સુરક્ષિત સ્થાન પર લાવી બુઝાવી દીધું હતું.