વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત શાહની પસંદગી કરવામાં આવી છે. સદાય સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સામાજિક સંસ્થા દ્વારા આવનારા એક વર્ષ માટે કૃષિત શાહ અને તેની ટીમેં સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ લીધી હતી.
વાપીમાં પાર્કલેન્ડ સોસાયટીના બેંકવેટ હોલમાં યોજાયેલા ઇન્સ્ટોલેશન સમારંભમાં પૂર્વ ઇન્ટરનેશનલ રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3121 ના પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ડોક્ટર રાજીવ પ્રધાન હાજર રહ્યા હતા. જેમાં RID 3132 ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડૉ. રાજીવ પ્રધાને પ્રેસિડન્ટ કૃષિત શાહ, સેક્રેટરી અભય ભટ્ટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરને શપથ લેવડાવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલના નિયમ મુજબ દરેક પદની અવધિ એક વર્ષની હોય છે. પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉ. રાજીવ પ્રધાને તેમના ઉદ્બોધનમાં રોટરી ક્લબ ઓફ વાપીના જે પરમેનેન્ટ પ્રોજેક્ટો છે, જેવા કે કોલેજ અને હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.
નવા બનેલા પ્રમુખ કૃષિત શાહે જણાવ્યું હતું કે ક્લબના નેજા હેઠળ વાપીમાં ઘણા સામાજિક કામ થયા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સૌનો સાથ અને સહકારથી સારા સમાજ ઉપયોગી કાર્ય કરતા રહીશું. તેમજ આગામી દિવસોમાં શૈક્ષણિક, માનવીય સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવી વાપી તેમજ આજુબાજુના વિસ્તારોની પ્રજાને એમનો લાભ મળી રહે એવી બાહેધરી આપી હતી.
આ કાર્યક્રમમાં નજીકની રોટરી ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી તેમજ પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર સુરેન્દ્ર પરમાર, અનીશ શાહ, રુચિર જાની તેમજ આશિષ રોય અને જાણીતા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.