Sunday, December 22News That Matters

અમદાવાદ ખાતે વડાપ્રધાનની હાજરીમાં આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વલસાડ જિલ્લામાંથી પંચાયતના સદસ્યો-કાર્યકરો મળી કુલ 4000 લોકો ઉપસ્થિત રહેશે

શુક્રવાર 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારવાના છે. વડાપ્રધાન અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત પંચાયતી રાજ મહાસંમેલનમાં હાજરી આપશે. તેમજ અંદાજિત 1 લાખ લોકોની ઉપસ્થિતિમાં સભાને સંબોધિત કરશે. જેમાં વલસાડ જિલ્લામાંથી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 3000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને 1000 કાર્યકરોને લઈ જવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જે માટે વલસાડ એસ. ટી. ડિવિઝનની કુલ 140 બસ ફાળવવામાં આવી છે.

 

 

 

કોરોના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાવાના છે. ત્યારે વલસાડ જિલ્લામાંથી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો મળી કુલ 3000 સદસ્યોને આ સંમેલનમાં લઈ જવા માટે તંત્ર દ્વારા 61 જેટલી એસ.ટી બસોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એ ઉપરાંત ભાજપના 1000 જેટલા કાર્યકરો માટે પણ બસ અને અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

 

આ અંગે વલસાડ DDO અને ડેપ્યુટી DDO એ આપેલી વિગતો મુજબ જિલ્લાના 6 તાલુકાના મળીને કુલ 3000 પંચાયતના સદસ્યોને ગુરુવારે રાત્રિથી બસ મારફતે રવાના કરવામાં આવશે. જે માટે વલસાડ જિલ્લા કક્ષાની 1 બસ, વલસાડ તાલુકા માટે 16 બસ, પારડી તાલુકા માટે 8 બસ, ધરમપુર તાલુકાના સદસ્યો માટે 12 બસ, કપરાડા તાલુકાના સદસ્યો માટે 11 બસ, વાપી તાલુકાના સદસ્યો માટે 6 બસ, ઉમરગામ તાલુકાના સદસ્યો માટે 7 બસ મળી કુલ 61 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ આપેલી વિગતો મુજબ જિલ્લા- તાલુકા મંડળના મળીને 1000 કાર્યકરો માટે પણ બસ સહિત અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

 

વલસાડ જિલ્લામાંથી અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જિલ્લાની વિવિધ પંચાયતના સદસ્યો અને ભાજપ કાર્યકરો માટે ફાળવાયેલી બસ અંગે વાપી ડેપોના ધનસુખ પટેલ સાથે વાત કરતા તેમણે આપેલી વિગતો મુજબ વાપી ડેપોમાંથી 25 બસ જ્યારે કુલ 140 બસ વલસાડ ડિવિઝનમાંથી ફાળવવામાં આવી છે. જેની અવેજીમાં વિવિધ રૂટ માટે બાકી બસોને ઑલ્ટરનેટ ચલાવી રૂટમાં કોઈ ખલેલ ના આવે, કોઈ મુસાફર પરેશાન ના થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચ, 2022ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 11મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યે, પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેશે અને સભાને સંબોધશે. જે બાદ પ્રધાનમંત્રી 12મી માર્ચે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી, મુખ્ય અતિથિ તરીકે RRUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરશે. તો, સાંજે લગભગ 6:30 વાગ્યે, પ્રધાનમંત્રી 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવાની ઘોષણા કરશે અને આ પ્રસંગે સંબોધન કરશે.

 

ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,500 થી વધુ ગ્રામ પંચાયતો સાથે ત્રણ સ્તરીય પંચાયતી રાજ માળખું છે. ‘ગુજરાત પંચાયત મહાસંમેલન: આપણું ગામ, આપણું ગૌરવ’માં રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના 1 લાખથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *