Friday, October 18News That Matters

મહાદેવને જળાભિષેક કરવા વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન સુધી નીકળી કાવડયાત્રા

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન મહાદેવને જળાભિષેક કરવા અને ત્યાંથી જળ ભરી પરત લવાછા રામેશ્વર મહાદેવને જળ ચડાવવાના સંકલ્પ સાથે નીકળેલ 150 કાવડયાત્રીઓને વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન, વોર્ડના સભ્યો અને આયોજકો દ્વારા કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરવા હજારો કાવડ યાત્રીઓ પગપાળા નજીકના શિવમંદિરે જતા હોય છે. ત્યારે વાપીમાં પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાવડયાત્રીઓ માટે કેસરી પોષાક, ગંગાજળ, વાહનની વ્યવસ્થા પુરી પાડી કાવડયાત્રીઓને પ્રસ્થાન કરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
વાપીમાં ડુંગરા કોલોની સ્થિત સમાજ સેવક અનુગ્રહ સિંઘાણીયા દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતાં. 2 દિવસની આ કાવડયાત્રા અંગે અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં ધાર્મિક ભાવના પ્રગટ થાય, માતા-પિતા અને દેવોનું મહત્વ સમજે તેવા ઉદેશયથી પ્રથમ વખત આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાવડયાત્રીઓ ડુંગરા કોલોનીથી જળ ભરીને સેલવાસના બિન્દ્રાબિન ખાતે મહાદેવને જળાભિષેક કરી પૂજા અર્ચના કરશે,
કાવડયાત્રીઓ રાત્રી નિવાસ કરી બીજા દિવસે સવારે બિન્દ્રાબિન તળાવમાંથી જળ ભરી પરત આવવા રવાના થશે. પરત આવતા કાવડીયાઓ લવાછા ખાતે બિરાજમાન રામેશ્વર મહાદેવને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરી વાપી આવશે. કાવડયાત્રીઓ માટે કેસરી યુનિફોર્મ, ધજા પતાકા તેમજ મહિલા કાવડયાત્રીઓ માટે વાહન સહિતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
આ કાવડયાત્રીઓ ને પ્રસ્થાન કરાવવા વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, પાલિકાના વોર્ડ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કાવડયાત્રીઓને કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મિતેષ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીમાં અનેક કાવડયાત્રીઓ આ યાત્રામાં જોડાય છે. ઉત્તર ભારતીય સમાજમાં કાવડયાત્રાનું અને મહાદેવની પૂજાનું અનેરું મહત્વ છે. ત્યારે હાલમાં દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. એમાં પણ મોટી સંખ્યામાં કાવડીયાઓ હર ઘર તિરંગા અભિયાનને વેગ આપી રહ્યા છે. જળ સાથે તિરંગો લઈ કાવડયાત્રીઓ મહાદેવને જળાભિષેક કરવા જઈ રહ્યા છે. ભાજપ પણ 14મી તારીખે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા સાથેની વિશાળ બાઇક રેલી યોજશે.
“હર હર મહાદેવ”, “ભારત માતા કી જય”, “બોલ બમ કા નારા હે બાબા એક સહારા હે” જેવા ગગનભેદી નાદ સાથે 150 જેટલા કાવડયાત્રીઓને ઉપસ્થિત મહાનુભાવોએ કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *