બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ વાપી GIDCની એક કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ વાપી GIDC ના 40 શેડ એરિયામાં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં લાગી હતી. જેને બુઝાવવા આવેલા ફાયરના જવાનોએ દોઢેક કલાકની મહેનત બાદ કાબુમાં લીધી હતી. પેપરમિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જ્યારે સાવચેતી માટે પોલીસે પણ તે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો.
વાપી GIDC ના 40 શેડ એરિયામાં આમોલી ઓર્ગેનિક્સ કંપનીની બાજુમાં પ્લોટ નંબર 322/5, 6A, 6B માં ક્રાફટ પેપર પ્રોડકટ બનાવતી સુપર ડિલક્ષ પેપરમિલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અન્ય કંપનીઓમાં કામ કરતા અને પાળી પુરી થતા ઘરે જવા નીકળેલા તેમજ બીજી શિફ્ટમાં આવેલા કામદારોમાં અફરાતફરી મચી હતી.
પેપરમિલમાં અચાનક જ વેસ્ટ પેપરના ગોડાઉનમાં ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને બુઝાવવા વાપી નોટિફાઇડ ફાયરને જાણ કરતા ફાયરના જવાનો તાત્કાલિક આગ બુઝાવવા પહોંચ્યા હતાં. જો કે પેપરમીલમાં ફાયરના વાહનો જઇ શકે તેવી યોગ્ય જગ્યા ના હોય સંકળાશ હોવાને કારણે ફાયરના જવાનોએ કંપનીના ગેટ પરથી પાણી અને ફોમનો મારો ચલાવી દોઢેક કલાકમાં 5 થી વધુ ફાયર ટેન્ડર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
તો, પેપરમીલમાં ભભૂકેલી આગની વિકરાળ જ્વાળા અને ઉઠતા ધુમાડાને જોઈને નજીકની આમોલી ઓર્ગેનિક્સ કંપની સહિત અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારોનો શિફ્ટનો સમય હોય નોકરી કરી પરત જતા અને શિફ્ટમાં આવેલા કામદારો માં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જેને લઈને મુખ્ય માર્ગ પર અફરાતફરી મચી હતી. પોલીસે પણ સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરવાની ફરજ પડી હતી.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ તેમજ કેટલું નુકસાન થયું છે. તેની વિગતો જાણવા મળી નહોતી. પરંતુ માર્ચ મહિનો ચાલી રહ્યો હોય વીમો પકાવવા આ આગ લગાડવામાં આવી હોવાનો ગણગણાટ નજીકની કંપનીઓના સંચાલકો અને કામદારો માં જોવા મળ્યો હતો.