સોમવાર-મંગળવારની રાત્રે વાપીના બલિઠા ખાતે આવેલ જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટમાં અચાનક ધડાકો થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર માં મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ 60 જેટલા ફોમના કેરબા ખાલી કરી એકલા ફોમનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
વાપી બલિઠા ખાતે જેટકોના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ વાપી, બલિઠા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારના 5:30 વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. આગની ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.
આ અંગે મળતી વિગત મુજબ બલિઠા DGVCL કચેરી નજીક આવેલ જેટકોની કચેરીના યુનિટ માં આવેલ પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં કોઈ અગમ્ય કારણ સર સૉર્ટ સર્કિટ થતા મોડી રાત્રે 1 વાગ્યા ની આસપાસ અચાનક ધડાકો થયો હતો. ધડાકાથી ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું. અને તેમાં રહેલા ઓઈલને કારણે આગ લાગી હતી. આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને બુઝાવવા ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે પાવર સપ્લાય બંધ કરી દીધો હતો. આગને બુઝાવવા આવેલા વાપી નગરપાલિકા, નોટિફાઇડ ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવા ફોમનો મારો ચલાવ્યો હતો. ઓઈલને કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોય.
ફાયરના જવાનોએ પાણીને બદલે એકલા ફોમના 60 જેટલા કેરબા ખાલી કરી ફોમનો મારો ચલાવ્યો હતો. જે બાદ વહેલી સવારે 4 કલાકની મહેનત બાદ 4 વાગ્યે આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, આગ લાગતા આસપાસના વિસ્તાર માં રેહતા લોકોએ આગ ની જ્વાળા જોતા તેઓના જીવ તાળવે ચોંટાયા હતા. તો, વાપી, બલિઠા, તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રે મીઠી નીંદર માણતા લોકોએ અંધારપટ માં ગરમીનો એહસાસ અને મચ્છરોના ડંખ ખાઈ રાત વિતાવી હતી.