Thursday, January 30News That Matters

વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા 33 રસ્તાની 1.53 કરોડના ખર્ચે મરામત કામગીરી હાથ ધરાઈ! જાણો…. તમારા વિસ્તારના કેટલા રસ્તાઓ છે બિસ્માર?

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ગુરૂવારે વરસતા વરસાદમાં વલસાડના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. 
વલસાડમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તાને ભારે નુકશાન થયું છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાવાળા માર્ગો પર પસાર થતા વહનચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. વાહનોમાં પારાવાર નુકસાની થતી હોય રસ્તાના ખાડા ખર્ચના ખાડામાં ઉતારી રહ્યા છે. વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા એક મહિના અગાઉ જ્યારે પૂર આવ્યુ ત્યારથી જ રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ-રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી.
છેલ્લા 2 દિવસ દરમિયાન ફરી ભારે વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા છે. જેથી ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનર એન.એન.પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કાર્યપાલક ઈજનર નીખિલ પંચાલે ટીમ સાથે સ્થળ પર પહોંચી તાકીદે મરામત કામગીરી શરૂ કરાવી હતી. જેને કારણે હાલમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક-ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળશે તેવી આશા સેવાય છે.
વલસાડ માર્ગ અને મકાન પેટા વિભાગ(સ્ટેટ)ના નાયબ કાર્યપાલક ઈજનર નીખિલ પંચાલે જણાવ્યું કે, જિલ્લામાં 38.05 કિમીના 33 રસ્તાની અંદાજે રૂ. 1 કરોડ 53 લાખ 60 હજારના ખર્ચે મરામત કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂર દ્વારા વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત રસ્તાની કામગીરી ચાલુ છે. ખાસ કરીને જે રસ્તા પર સતત લોકોની અવર જવર વધુ હોય ત્યાં ટીમને તૈનાત કરી સતત કામગીરી ચાલુ રાખી છે. જેથી લોકોને રાહત મળી શકે. અત્યાર સુધીમાં 33 માંથી 23 રસ્તા રસ્તા પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 10 રસ્તાની કામગીરી પ્રગતિમાં છે. જો કે બિસ્માર માર્ગ પર વિભાગ દ્વારા માત્ર મેટલ પાથરી પેચવર્ક કરવામાં આવી રહ્યું હોય વાહનચાલકો માટે હજુ પણ સારા રસ્તાની આશ પૂર્ણ થઈ નથી.
વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં નુકશાન પામેલા રસ્તાની વિગત…….
વલસાડ તાલુકો……. (1) તીથલ વલસાડ ધરમપુર રોડ, (2) કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ, (3) બીલીમોરા થી વલસાડ લીલાપોર જંક્શન રોડ, (4) વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ, (5) પારનેરા રાબડા નવેરા ઓઝર રોડ, (6) ડિસ્કાડેડ લેન્થ ઓફ એન.એચ.
વાપી તાલુકો…….  (1) વાપી દમણ રોડ, (2) પારડી પરિયા અંબાચ ચીભડકચ્છ રોડ, (3) મોરાઈ વટાર રોડ
પારડી તાલુકો…… (1) સી.એસ.એચ.વે. વલસાડથી કોલક રિવર કોઝવે, (2) પારડી વેલપરવા આમરી તરમલિયા રોડ, (3) પારડી સ્ટેશનથી ઉમરસાડી માછીવાડ રોડ (4) પારડી સ્ટેશનથી ઉમરસાડી દેસાઈવાડ રોડ, (5) પારડી પરીયા અંબાચ ચીભડકચ્છ રોડ
ધરમપુર તાલુકો….. (1) તીથલ-વલસાડ-ઘરમપુર (2) તુતરખેડ-સાતવાંકલ-ખપાટિયા રોડ (3) ધરમપુર-આવધા-બિલધા રોડ (4) આંબાતલાટ-ભવાડા-બોપી-હનુમતમાળ રોડ (5) કંજવેરી-કાંગવી-લુહેરી રોડ (6) વડપાડા કરંજવેરી રોડ (7) ધામણી-તામછડી-નાની કોરવડ-અવલખંડી રોડ
કપરાડા તાલુકો…… (1) ધરમપુર-માકડબન-ધામણી-ટોકરપાડા રોડ સેકશન ધામણી-મેણધાથી ટોકરપાડા રોડ (2) તિથલ-વલસાડ-ધરમપુર-હુંડા-નાસીક રોડ (3) ગીરનારા-વિરક્ષેત્ર-માલધરા રોડ (4) સ્ટેટબારી-આંબાજંગલ-શાહુડા-લીખવડ-નાનીપલસાણ-ગોટવેલ-સુલિયા રોડ (5) પાનસ-આમધા-અરણાઈ-નળી મધની રોડ
ઉમરગામ તાલુકો…… (1) ઉમરગામ-સંજાણ-ભીલાડ રોડ (2) કાલુરીવર કોઝવે ટુ એમ.એસ.બોર્ડર રોડ (3) ભીલાડ નરોલી રોડ (4) ઉમરગામ ટાઉન ટુ સ્ટેશન રોડ અપ ટુ એમ.એસ. બોર્ડર રોડ (5) સરીગામ ડુંગર પૂનાટ કાલય રોડ (6) ભીલાડ ટુ ભીલાડ સંજાણ લિન્ક રોડ (7) ભીલાડ-ધનોલી-ઝરોલી રોડ.
નોંધ…. આ રસ્તાઓ ઉપરાંત નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ સુરત પણ બિસ્માર બન્યો છે. નેશનલ હાઇવે વાપી ચણોદ થી ધરમપુર તરફનો હાઇવે, ચણોદ-સેલવાસ રોડ પણ બિસ્માર બન્યો છે. જે રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓની હાઇવે ઓથોરિટી તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી વાહનચાલકોની માંગ છે…..   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *