Sunday, December 22News That Matters

વાપીમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર કલીમ ભંગારીયા સહિત 3 આરોપીઓની ધરપકડ

વલસાડ જિલ્લાના વાપી પાલિકા અને GIDC ને જોડતા J ટાઈપ રોડ પર રવિવારે મધ્યરાત્રીએ છીરીના 5 જેટલા યુવકોએ દિલીપ વનવાસી ઉપર જૂની અદાવતમાં લોખંડના રોડ, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં દિલીપનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ હત્યાના ગુન્હામાં વાપી GIDC પોલીસે ભંગારનો ધંધો કરતા કલીમ સહિત શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરી નામના રીઢા ગુન્હેગારની  ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

 

વલસાડ જિલ્લાના વાપી GIDC ના J ટાઈપ રોડ પાસે મારમારીમાં નામચીન અને છીરીમાં ભંગારનો ધંધો કરતા કલીમ ઉર્ફે હકલો, શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરી સહિત 5 જેટલા ઈસમોએ દિલીપ વનવાસી સાથે અઢી માસ પહેલા થયેલી મારમારીની અદાવતમાં તેને અટકાવી લોખંડના રોડ, હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા બાદ દિલીપને ઇજાગ્રસ્ત હાલતમાં છોડી આરોપીઓ ભાગી છૂટયા હતા.

 

 

ઘટનાની જાણ વાપી જીઆઇડીસી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી 108ની મદદ વડે ઇજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપનું મોત નીપજ્યું હતું.

 

 

 

ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે દિલીપના પિતા શિવધન વનવાસીએ આરોપી કલીમ ઉર્ફે હકલો સૈયદ, બંસી રાજેશ હળપતિ, લકકી ઉર્ફે શશીકાંત મિશ્રા, ભોલું, કાદર મનસુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાંએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ હત્યાની ઘટનામાં GIDC પોલીસ, LCB, SOG ની ટીમને આરોપીઓને પકડી પડવાની સૂચના આપી હતી. જે આધારે પોલીસે બાતમી મેળવી દમણથી વાપી કારમાં આવેલા કલીમ, શશીકાંત મિશ્રા, કાદિર મન્સૂરીને UPL બ્રિજ નજીક ઝડપી પાડી હત્યાના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેમના ઉપર ચોરી, અપહરણ, આર્મ્સ એક્ટ, મારામારી કરવી જેવા અનેક ગુન્હા નોંધાયેલ છે. આરોપીઓએ આવી જ જૂની અદાવતમાં દિલીપ વનવાસી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

 

 

ઉલ્લેખનીય છે કે, હત્યારાઓ સાથે મૃતક યુવકનો ઝઘડો થયો હતો. અને તેમાં તે એક દિવસ અગાઉ જ જેલમાંથી જમીન પર છૂટીને આવ્યો હતો. જે બાદ તેના મિત્રો સાથે દમણ ના આટીયાવાડમાંથી રાત્રે પરત આવતો હતો ત્યારે મોકો જોઈ વોચ ગોઠવી ઉભેલા હત્યારાઓએ તેને રસ્તામાં રોકી હુમલો કર્યો હતો. આ ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ છીરીના પંચાયત સભ્ય પર આક્ષેપો કર્યા હતા કે તેમના ઈશારે આ હત્યા થઈ છે.  જે અંગે પોલીસે જણાવ્યું હતું કે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એ અંગે સઘન પૂછપરછ તેમજ તપાસ કરી આ હત્યામાં જે પણ વ્યક્તિની સંડોવણી હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે છીરી પંચાયત ના સભ્ય નુરુદ્દીન ચૌધરી સાથે આરોપી કલીમ અંગત સંબંધો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *