વાપી GIDC માં શનિવારે 2 અલગ અલગ ઘટનામાં 2 કર્મચારીઓના મોતથી તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. બન્ને ઘટનાની જાણકારી GIDC પોલીસ મથકે કરતા પોલીસે બન્ને મૃતદેહોને વાપીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
બન્ને ઘટના પૈકીની પ્રથમ ઘટનાની GIDC પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ વાપી GIDC માં આવેલ ગજાનન પેપરમિલમાં સવારે 7 વાગ્યે કામ પર આવેલ વિક્રમ વર્મા નામના 22 વર્ષીય કર્મચારીને કંપનીની અંદર વીજ કરંટ લાગતા મોત થયું હતું. જ્યારે બીજી ઘટનામાં આર્યન પેપર મિલ સામેના મુખ્ય માર્ગ પર સાયકલ લઈ જઈ રહેલા એક કર્મચારીને આઈશર ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગજાનન પેપરમિલમાં વીજ કરંટ થી મોત ને ભેટેલા વિક્રમ લલ્લન વર્મા નામનો 22 વર્ષીય યુવાન મૂળ ઉત્તરપ્રદેશ ના પ્રતાપગઢ ના બરીકાલાનો રહેવાસી હતો. તે તેમના માતાપિતાનું એક નું એક સંતાન હતો. એક વર્ષ પહેલાં તે વાપીમાં તેમના માસા ને ત્યાં આવ્યો હતો. માસા એ તેને ગજાનન પેપરમિલમાં હેલ્પર તરીકે નોકરીએ રખાવ્યો હતો. પેપરમિલમાં તે શનિવારે સાઇટ કિચનમાં પાવડર પકવવા માટે નોકરી પર આવ્યો હતો. ત્યારે વહેલી સવારે 7 વાગ્યે જેવો સાઇટ કિચનમાં ગયો કે ત્યાં વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત ને ભેટ્યો હતો.
મૃતક વિક્રમને કંપનીના કર્મચારીઓ વાપીની ESIC હોસ્પિટલે લાવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેની જાણકારી કંપનીના પ્રોડકશન મેનેજર ને કરી હતી. પ્રોડકશન મેનેજરે તે બાદ GIDC પોલીસ મથકમાં વિગતો આપી હતી. પોલીસે વિક્રમના મૃતદેહ ને સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે, કંપનીમાં ફરજ દરમ્યાન બનેલી ઘટનામાં કર્મચારીનું મૃત્યુ થતા અન્ય કર્મચારીઓએ અને મૃતકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરી હતી. જે અંગે પ્રોડકશન મેનેજર મુકેશ દેસાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઘટના અંગે જાણકારી મળતા તેની જાણ ફેકટરી ઇન્સ્પેક્ટરને કરવામાં આવી છે. અને સરકારી નિયમો મુજબ તેમને જે વળતર ચૂકવવાનું હશે તે વળતર કંપની ચૂકવશે. હાલમાં પણ મૃતક યુવકના મૃતદેહને તેમના વતન લઈ જવામાં બનતી મદદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગજાનન પેપરમિલમાં આ પહેલા પણ કર્મચારીઓ મોતને ભેટ્યા હોવાની ઘટના બની ચુકી છે. ત્યારે, આ ઘટનામાં વીજ કરંટ કેવી રીતે લાગ્યો, પ્લાન્ટમાં ક્યાં કારણોસર વીજ કરંટ ઉત્પન્ન થયો હતો. કર્મચારીઓને સુરક્ષા સલામતીના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ તે અંગે ફેકટરી ઇન્સ્પેકટર તપાસ કરી કંપની સંચાલકની ભૂલો હતી કે કેમ તે આધારે કાયદાકીય પગલાં લે તેવી માંગ કર્મચારીઓએ કરી હતી.
જો કે, પેપરમિલમાં કરંટ લાગવાથી મોતને ભેટેલા કર્મચારી ઉપરાંત અન્ય બીજી ઘટના પણ વાપી GIDC માં બની હતી. જેમાં સાયકલ પર નીકળેલા એક કર્મચારી પર આઈશર ટેમ્પોના ચાલકે બેફિકરાઈ ભરી રીતે ટેમ્પોનું ટાયર ચડાવી દેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુઁ. બન્ને હતભાગી કર્મચારીઓના મૃતદેહને GIDC પોલીસે પોસ્ટમોર્ટમ માટે રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે.