Friday, October 18News That Matters

ખુડવેલ માં મોદીની સભા માટે વહીવટી તંત્ર દ્વારા 1.07 લાખ લોકો માટે 1247 બસ, કામદારો પણ જશે મોદીને સાંભળવા, ખાનગી શાળામાં હોલીડે

નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 10મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસના કામોને લીલીઝંડી આપશે. વડાપ્રધાન અહીં જાહેર સભાને સંબોધન કરી આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમની શરૂઆત કરવાના છે. ત્યારે, વડાપ્રધાનના આ કાર્યક્રમમાં 2 લાખની જનમેદની એકઠી કરવા ST વિભાગની 800 બસો ફાળવી દેવા ઉપરાંત વલસાડ જિલ્લામાં કાર્યરત મોટા ઔદ્યોગિક એકમોની બસ તેમજ જિલ્લાની 65 પૈકી 35 જેટલી ખાનગી શાળાઓની બસને પણ લોકોને લઈ જવામાં માંગી લેતા એક દિવસ માટે તમામ ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય ઠપ્પ રહેશે અને વિદ્યાર્થીઓ હોલીડે મનાવશે. જ્યારે વાપી, સરીગામ, ઉમરગામ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં 20 હજાર જેટલાં કામદારોને પણ ઉદ્યોગકારો પોતાના ખર્ચે અને એક દિવસની દહાડી ભરી મોદી સાહેબનું ભાષણ સાંભળવા મોકલશે, એ જ રીતે વલસાડ વહીવટી તંત્ર દ્વારા પણ 1247 બસ મારફતે 1 લાખ 7 હજાર લાભાર્થીઓને મોકલશે, તો, 3 હજાર ખાનગી વાહનોમાં કાર્યકરો પણ પહોંચશે વડાપ્રધાન ના કાર્યક્રમમાં
 
તારીખ 10 જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 764 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને 200 કરોડના વિકાસના કામોનું ખાતમુહરત કરવાના છે. અહીંથી જ મોદી ગુજરાતના અન્ય જિલ્લાઓના મળીને કુલ 2100 કરોડથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહરત કરવાના છે. ત્યારે મોદીના આ કાર્યક્રમમાં 2 લાખની જનમેદની એકઠી કરવા વહીવટીતંત્રે તડામાર તૈયારીઓ આરંભી છે. જેમાં ST વિભાગની બસ, ઉપરાંત ખાનગી શાળાઓની બસ, ઔદ્યોગિક એકમોની બસને લોકોને લાવવા મુકવાના કામમાં માંગી લેતા જિલ્લાભરમાં ST ના મુસાફરો રઝળશે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ એક દિવસ હોલીડે મનાવશે. અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા 20 હજારથી વધુ કામદારો કંપનીઓમાં કામ કર્યા વગરનું મહેનતાણું મેળવશે.
ખુડવેલના કાર્યક્રમ સ્થળે વલસાડ, નવસારી જિલ્લાના ભાજપના કાર્યકરોને, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને, ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા મજૂરોને, સરકારી કર્મચારીઓ મળી અંદાજિત 2 લાખ લોકોને એકઠા કરવા એસ. ટી.ની 800 જેટલી બસ ફાળવવામાં આવી છે. આ બસો મારફતે 15000 લોકોને લઈ જવામાં આવશે જેમાં વલસાડ થી 170, પારડી થી 20, ધરમપુર 220, કપરાડા 220, વાપી 20, ઉમરગામ માટે 150 બસો ફાળવવામાં આવી છે જેને પગલે વાપી ડેપોની માત્ર એક્સપ્રેસ બસો જ દોડશે જ્યારે લોકલ રૂટ બંધ રહેવાના હોય મુસાફરો અટવાય એવી શક્યતા છે. તો એસ.ટી. વિભાગ દ્વારા મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં એસટી બસોની ઘટ પુરવા આમદાવાદથી 50, ભાવનગરથી 20, મહેસાણા 40 બસો મંગાવવામાં આવી છે જે વલસાડ થી મુસાફરો ભરી ને રવાના થશે.
વલસાડ વહીવટીતંત્ર તરફથી મળતી વિગતો મુજબ 1140 અને વધારાની 107 મળી કુલ 1247 બસો  વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં વિવિધ યોજનાના 1 લાખ 7 હજાર લાભાર્થીઓને ખુડવેલ કાર્યકમમાં મોકલવામાં આવશે. એ ઉપરાંત 3 હજાર ખાનગી વાહનોમાં પણ મોટી સંખ્યામાં લોકો મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાંથી 10 હજાર કામદારો, સરીગામ ઔદ્યોગિક વસાહતમાંથી 3 હજાર લોકો, ઉમરગામ ઔદ્યોગિક વસાહતમાંથી 5 હજાર લોકો અને અન્ય ઔદ્યોગિક એકમો મળીને કુલ અંદાજિત 20 હજાર કામદારોને મોદીના કાર્યક્રમમાં મોકલવામાં આવશે જેમનો આવવા જવાનો તેમજ નાસ્તા પાણી ભોજનનો ખર્ચ અને એક દિવસની દહાડીનો ખર્ચ ઉદ્યોગકારો ભોગવશે. આમ મોદીનો ખુડવેલ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે જેમ વિકાસના કામોની લ્હાણી નો પ્રવાસ હશે તેમ 2 લાખ લોકો માટે મોદીના ભાષણ ને સાંભળવા ઉપરાંત હાલાકી ભોગવવાનો યાદગાર પ્રસંગ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *