Friday, January 31News That Matters

160 કિમીની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ, જાણો! કેટલું ભાડું છે અને કેટલા સમયમાં પહોંચાડશે?

વલસાડ જિલ્લાના વાપીમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સવારે વંદે ભારત ટ્રેન વાપી સ્ટેશનને આવતા રાજ્યના નાણા પ્રધાન કનું દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. ખાલપા પટેલ, દમણ-દિવના સાંસદ લાલુ પટેલ, દમણ-દિવ-DNH ના ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રેનનું સ્વાગત કરી લીલીઝંડી બતાવી અમદાવાદ તરફ રવાના કરી હતી. આ ટ્રેન માત્ર સવા ત્રણ કલાકમાં વાપી થી અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે.

વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ આપવામાં આવતા વાપી, દમણ અને સેલવાસ, ઉમરગામ, સરીગામ, પારડી તેમજ ગુંદલાવ GIDCના ઉદ્યોગકારો સહિત મુસાફરોને વધુ એક સુવિધાસભર ટ્રેનનો લાભ મળશે સાથે જ સમયની બચત થશે. ઉદ્યોગકારોને અને મુસાફરોને આ નવા વર્ષની ઉત્તમ ભેટ મળી હોવાનુ નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું. નવા વર્ષની વહેલી સવારે 7:45 કલાકે કનુ દેસાઈ, સાંસદ ડો. ખાલપા પટેલ, સાંસદ લાલુ પટેલ સહિત ભાજપના અગ્રણીઓએ વાપી રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

ટ્રેનના સ્વાગત પ્રસંગે સાંસદ ડૉ. ખાલપા પટેલ અને સાંસદ લાલુ પટેલે જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં વાપી સહિત 5 GIDC અને સેલવાસ, દમણમાં કાર્યરત ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓએ વારંવાર મુંબઇ અને ગાંધીનગર ખાતે કામ અર્થે જવાનું થાય છે. વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી હતી. VIA અગ્રણી અને ZRUCCના સભ્ય જોય કોઠારીને, વલસાડ-દમણના સાંસદ તરીકે તેઓને ઉદ્યોગ સંચાલકોએ રજૂઆત કરી હતી. જેઓએ રેલવે વિભાગમાં અસરકારક રીતે રજૂઆત કરતા નવા વર્ષની સવારથી વાપી રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે. મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી વંદે ભારત એક્સપ્રેસ (20901) વાપી સ્ટેશન પર 8:04 કલાકે ઉભી રહેશે. મુંબઈથી વાપી વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરનું ભાડું 1140 થી 1230 વચ્ચે રહેશે. ચેર કારનું ભાડું 630 થી 730 રૂપિયા વચ્ચે રહેશે. જે 2 કલાકમાં નિર્ધારિત સ્ટેશને પહોંચાડશે. વાપીથી અમદાવાદ સુધીનું ભાડું એક્ઝિક્યુટિવ ચેરનું 1615 અને ચેર કારનું ભાડુ 865 રૂપિયા રહેશે જે નિર્ધારિત સ્ટેશને 3 કલાક 19 મિનિટમાં પહોંચાડશે. વાપી થી ગાંધીનગરનું એક્ઝિક્યુટિવ ચેરનું ભાડું 1675 રૂપિયા હશે. ચેર કારનું ભાડું 890 રૂપિયા હશે. જે 4 કલાક19 મિનિટમાં નિર્ધારિત સ્ટેશને પહોંચાડશે. બીજી તરફ, ટ્રેન નંબર 20902 વંદે ભારત એક્સપ્રેસ વાપી સ્ટેશન પર 18:38 કલાકે ઉભી રહેશે. એક્ઝિક્યુટિવ ચેર કાર દ્વારા મુંબઈ-અમદાવાદની મુસાફરીનું ભાડું રૂ. 2,505 નક્કી કરાયું છે. જ્યારે ચેર કારનું ભાડું રૂ. 1,385 આસપાસ હશે. વંદે ભારત એક્સપ્રેસ એ 16 કોચની સ્વદેશી ડિઝાઇન કરેલી સેમી-હાઇ સ્પીડ સ્વ-સંચાલિત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 140 સેકન્ડમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી ખૂબ જ ઓછા સમયમાં નિર્ધારિત સ્ટેશને પહોંચે છે.

નવા વર્ષના પ્રથમ દિવસે રેલવે વિભાગે વાપીમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપીને વાપી અને વલસાડ તેમજ દમણ સેલવાસના લોકોને દિવાળીની અને નવા વર્ષની ભેટ આપી હતી.  જેનું વાપીમાં પ્રથમ સ્ટોપેજ હોય ભાજપના અગ્રણીઓ સહિત ARM અનુ ત્યાગી સહિત રેલવેના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *