લાભ પાંચમના દિવસે પણ વંદે ભારત ટ્રેનની માઠી યથાવત રહી છે. ટ્રેન શરૂ થયાને 30 દિવસમાં ફરી વંદે ભારત ટ્રેનને વલસાડ નજીક અતુલ ખાતે અકસ્માત નડ્યો છે. અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર આખલો આવી જતા વંદે ભારત ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતને કારણે ટ્રેનને 27 મિનિટ સુધી રોકી ટેક્નિકલ ટીમ દ્વારા સમારકામ કરી અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 130 કિલોમીટરની સ્પીડે દોડતી ટ્રેન આગળ આખલો આવી જતા અકસ્માતમાં આખલાનું મોત થયું છે.
વંદે ભારત ટ્રેનની માઠી હજુ પણ યથાવત રહી છે. વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક આ ઘટના બની છે. વંદે ભારત ટ્રેન સાથે આખલો અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો હતો. ટ્રેનના એન્જીન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન થયું હતું.
ભારતની આ પ્રથમ દેશી બુલેટ ટ્રેન મનાતી વંદે ભારત ટ્રેનનો ગુજરાતમાં આ ત્રીજો અકસ્માત છે. આ પહેેેલા મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે ટ્રેન ટકરાઈ હતી. ટ્રેનનું સમારકામ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. તેના બીજા જ દિવસે ગાંધીનગરથી મુંબઇ જતા સમયે કંઝારી અને આણંદ સ્ટેશન વચ્ચે દુર્ઘટના સર્જાઇ હતી. જે બાદ આજે ફરી ત્રીજીવાર વલસાડ પાસે અકસ્માત સર્જાયો છે.
વલસાડ નજીક અતુલ રેલવે સ્ટેશન પાસે સર્જાયેલ અકસ્માત બાદ ટ્રેનને 27 મીનીટ સુધી રોકાવી આગળ રવાના કરી હતી. મળતી માહિતી મુજબ સવારે મુંબઈથી ગાંધીનગર તરફ નીકળેલી વંદે ભારત ટ્રેન વાપીમાં 8 કલાકને 6 મિનિટે પહોંચી હતી. જે તેનું પહેલું સ્ટોપેજ હતું. જ્યાંથી તે રવાના થયા બાદ 8:30 વાગ્યે અતુલ સ્ટેશન નજીક પહોંચી ત્યારે ટ્રેક પર અચાનક એક આખલો આવી જતા ટ્રેનના આગળના ભાગે અથડાઈ હતી. જેમાં ટ્રેનના આગળના ભાગે તેમજ એન્જીન નીચેના ભાગે ક્ષતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણકારી રેલવે અધિકારીઓને આપતા તેઓએ અતુલ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટેક્નિકલ ટીમને બોલાવી જરૂરી સમારકામ કરાવી ટ્રેનને આગળના પ્રવાસ તરફ રવાના કરાઈ હતી. ટ્રેન અકસ્માતમાં આખલાનું મોત થયું છે. જ્યારે તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું રેલવે વિભાગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોદીના ડ્રિમ પ્રોજેકટ સમાન વંદે ભારત ટ્રેન ને ગત 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી બતાવી રવાના કરી હતી. જેના 30 દિવસમાં આ ત્રીજો અકસ્માત નડતા ટ્રેન માટે ટ્રેક સુરક્ષિત બનાવવા નું કાર્ય અતિ આવશ્યક બન્યું છે.