વાપી GIDC માં દમણગંગા નદી કિનારે આવેલું ઘટાટોપ જંગલ અનેક પશુ-પક્ષીઓ, સરીસૃપો માટે આશ્રય સ્થાન રહ્યું છે. આ જંગલની જમીન પર હવે ઉદ્યોગકારોનો ડોળો મંડાતા આગામી દિવસોમાં પર્યાવરણનું નખ્ખોદ વળશે. અહીં વર્ષોથી વસવાટ કરતા જીવજંતુઓ, પશુપક્ષીઓ આશ્રય સ્થાન ગુમાવ્યા બાદ મોતને ભેટશે.
વાપી નજીકથી પસાર થતી અને દમણના દરિયામાં ભળતી દમણગંગા નદી પર વાપી GIDC ના ઉદ્યોગો માટે તેમજ વાપી શહેર પાલિકા વિસ્તાર, નોટિફાઇડ વિસ્તાર અને 11 જેટલા ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા ચેક ડેમ બનાવી ત્યાં સમ્પ બનાવવામાં આવ્યો છે. આ નદી કિનારે હાલમાં જ GIDC દ્વારા એક ઉદ્યોગકારને 216 એકર જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે ફાળવી દીધી છે.
વર્ષોથી વિવાદિત રહેલી દમણગંગા સમ્પ થી ચણોદ હરિયાપાર્ક સુધીના કાંઠાની આ જમીન ઘટાટોપ સાગના વૃક્ષોથી જંગલમાં ફેરવાઈ છે. એટલે અનેક પ્રકારના પશુપક્ષીઓ માટે તે આશ્રય સ્થાન છે. હજારો સાપ-અજગર આ જમીનમાં આશ્રય લઈ રહ્યા છે. અન્ય કેટલાય પ્રકારના જીવજંતુ પણ આ જમીનને અને જંગલને પોતાનું નિવાસસ્થાન બનાવી ચુક્યા છે.
હાલ આ જંગલમાં આવેલા 5000 જેટલા કિંમતી સાગના વૃક્ષો અને તે બાદ અન્ય બળતણ તરીકે તેમજ ફર્નિચરની નાની મોટી ચીજવસ્તુઓ બનાવવા ઉપયોગી બાવળ જેવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં વૃક્ષોને કાપી તેના લાકડા ટેમ્પો-ટ્રક માં ભરી અન્યત્ર લઈ જવાય રહ્યા છે. ઘટાટોપ જંગલને બંજર બનાવવાની અને તેના સ્થાને પ્લાસ્ટિક, ફાર્મા સહિતના ઉદ્યોગો ઉભા કરવાની નેમ આ જમીનનું MOU કરનાર ઉદ્યોગપતિની છે.
જો કે 20 હજાર લોકોને રોજગારી આપવાની અને વાપી GIDC ના વિકાસમાં યોગદાન આપવાની ગુલબાંગો વચ્ચે હાલ તો અહીં વર્ષોથી વસવાટ કરતા પશુ પક્ષીઓ, સરી સૃપો અને જીવજંતુઓનું આશ્રય સ્થાન છીનવી લેવાયું છે. ત્યારે વિકાસના નામે વિનાશ કરી પર્યાવરણ ને અસંતુલિત બનાવનારા સામે પર્યાવરણ વિદો અને શહેરની જનતા જાગે તે સમયની માંગ છે.