વાપી :- વાપીમાં આવેલી આદિત હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર હેઠળ રહેલા દર્દીને વધુ સારવાર માટે સુરત લઈ જતી વખતે હોસ્પિટલના તબીબની પત્નીએ દર્દીને પૈસા ભર્યાં વગર નહિ જવા દેવાની અને બીલને લઈને દર્દીઓના પરિવાર સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિઓ વાયરલ થયો છે. આ વિડીઓને લઈને હાલ વાપીમાં ચકચાર મચી ગઇ છે.
ઓક્સિજન પર રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે દર્દીના સગાને પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ તેવુ ગુસ્સામાં કહેતી અને સ્ટ્રેચર પર રહેલા પેશન્ટને લઈ નહિ જવા એમ્બ્યુલન્સના સ્ટાફને આદેશ કરી દર્દીના પરિવાર સાથે ઝઘડો કરતી ડોકટર પત્નીનો વીડિઓ વાયરલ થયો છે.
દર્દીના સગા પણ આક્ષેપો કરે છે કે રોજના 50 હજાર સુધીનું બિલ ચૂકવતા આવ્યાં છીએ તો આ બિલ પણ ભરી દીધું છે. જે બાદ પેશન્ટના પરિવારજનોએ બીલના પૈસા ચૂકવી દેતા તે પૈસા ગણીને એમ્બ્યુલન્સને જવા દેવાનો ઈશારો કરે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિઓ વાયરલ થયો છે. જેમાં આ રીતે માનવતા નેવે મૂકી બિલ માટે દર્દીને મરવા મૂકી દેતા અને એમ્બ્યુલન્સને રોકી દેતા ડોકટર ની પત્ની સામે પ્રશાસન કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
આ વીડિઓ વાયરલ થયા બાદ આ અંગે અદિત હોસ્પિટલના ડૉ. તેજસ શાહ સાથે ટેલિફોનિક વાત કરતા ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે દર્દી તેમને ત્યાં 20-25 દિવસથી વેન્ટિલેટર પર હતાં. સુરતમાં વ્યવસ્થા થતા વધુ સારવાર માટે ત્યાં ખસેડવાની માંગણી કરતા અમારો સ્ટાફ તેને સ્ટેચર પર નીચે લાવ્યો હતો જે દરમ્યાન પોતે થોડો આરામ કરવા જતાં રહ્યાં હતાં. અને દર્દીના સગા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવાની તૈયારીમાં હતા જે જોઈ જતા તેમની પત્નીએ રોક્યા હતા. તેમનું દોઢ લાખનું બિલ બાકી હતું. ઓક્સિજન માસ્ક કાઢી નાખવાના આક્ષેપો તદ્દન ખોટા છે. દર્દીનો હાથ સ્ટેચર બહાર હતો આવતા જતા કોઈને વાગી ના જાય એટલે એ સરખો કર્યો હતો.
આ વાયરલ વીડિઓ બાદ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી ડો.અનિલ પટેલે જણાવ્યું હતું કે આ અંગે હજુ સુધી અમારી પાસે વિગતો આવી નથી. આ અંગે તપાસ કરી જરૂર પડશે તો હોસ્પિટલને નોટિસ આપીશું. જ્યારે, વાપી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મોનિક પટેલે જણાવ્યું હતું કે આ વીડિઓ અને વિગતો મળી છે. હજુ સુધી ઉપરી અધિકારી તરફથી કોઈ આદેશ આવ્યા નથી જો આદેશ આવશે તો હોસ્પિટલ સામે એક્શન લઈશું.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં વાપીમાં તબીબોની દર્દીઓ સાથે અને દર્દીના પરિવારજનો સાથે કરવામાં આવતી દાદાગીરીની આ ગંભીર ઘટના છે. આ પહેલા પણ 21st સેન્ચ્યુરી, નિરામયા હોસ્પિટલ, સંવેદના હોસ્પિટલમાં તબીબોની આવી જ દાદાગીરીનો ભોગ દર્દી અને તેના પરિવાજનોએ બનવું પડ્યું છે. જેમાં સરકારના નિયમ કરતા વધુ બિલ વસૂલવા, બિલ માટે દર્દીના મૃતદેહને નહિ સોંપવા, બિલ માટે કાર જમા કરાવી લેવા જેવી ઘટનાઓ બની ચુકી છે. ત્યારે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ આ અંગે યોગ્ય તાપસ કરી જો દોષિત જણાય તો આવા તબીબો અને બિલ માટે માનવતા નેવે મુકતી તબીબની પત્ની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે.