Friday, October 18News That Matters

સરીગામમાં ઉદ્યોગપતિને ટેમ્પોવાળાએ આપી ધમકી, સરીગામ ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં

વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં આવેલ ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીના કર્મચારીને ટેમ્પો ભાડાં બાબતે માર મારી કંપનીના ડાયરેકટર, મેનેજરને ધાકધમકી આપનાર ટેમ્પો વેલ્ફેર એસોસિએશનના 2 માથાભારે ઈસમો સામે ભિલાડ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો, આ મામલે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓએ આ મામલાને ગંભીર ગણી કાયદાકીય પગલાં લેવાય તે માટે એક બેઠક બોલાવી એકસંપ બતાવ્યો હતો. 
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ત્રણેક દિવસ પહેલા ઇન્ટિગ્રેટેડ પેસ્ટીસાઈડ કેમિસોલ કંપનીમાંથી V એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલ મોકલવા ગયેલ કર્મચારીને સ્થાનિક ટેમ્પો વેલફેર એસોસિએશનના જીતુ ભંડારી અને ઠાકોર નામના ઇસમે માર મારી માલ ખાલી કરવા દીધો નહોતો તેમજ કંપનીના માલિક ભાર્ગવ દેસાઈ અને મેનેજર કેયુર દેસાઈને પણ ભાડાં બાબતે ધાકધમકી આપતા આ મામલે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ બાદ સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, સભ્યોએ એક બેઠક યોજી ટેમ્પો એસોસિએશનની દાદાગીરીને વખોડી હતી.
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ખાતે ઉદ્યોગપતિઓએ SIA પ્રમુખ વી. ડી. શિવદાસન અને પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈ સામે આ ઘટનાને વખોડી ટેમ્પો એસોસિએશનના સભ્યો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈએ જણાવ્યું હતું કે ભાર્ગવ દેસાઈની જેમ અન્ય ઉદ્યોગકારોને પણ ટેમ્પો એસોસિએશનના સભ્યોનો કડવો અનુભવ થયો છે. આ રીતે ભાડાં બાબતે ધાકધમકી આપવી, પાવતી આપી રૂપિયા ઉઘરાવવા એ બાબત ગંભીર છે. અમે આ અંગે ઉદ્યોગપતિ સાથે છીએ અને જે પણ કાયદાકીય લડત લડવી પડશે તે લડીશું.
ધાકધમકીનો ભોગ બનનાર ભાર્ગવ દેસાઈએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાતને ઉદ્યોગોના વિકાસ માટે આદર્શ રાજ્ય માનવામાં આવે છે. ત્યારે અહીં આ પ્રકારના ટેમ્પો માલિકો ભાડાં બાબતે પોતાના મનનું ધાર્યું કરવા એસોસિએશન બનાવી પોતાની શરતે ઉદ્યોગપતિઓને બાનમાં લઈ રહ્યા છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ સાથે દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, પોલીસ અધિકારીઓને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. ભાર્ગવે જણાવ્યું હતું કે, એસોસિએશનના નામની રસીદ આપી પૈસા ઉઘરાવવા એ એક પ્રકારની ખંડણી જ કહેવાય અને એ માટે કર્મચારીઓને માર મારવો, ધાકધમકી આપવી એ વડાપ્રધાનની સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓમાં બાધારૂપ અને કલંક સમાન છે.
સરીગામ GIDC માં થોડા દિવસ પહેલા જ ટેમ્પો માલિકોએ એક એસોસિએશન બનાવી ઉદ્યોગકારોને આ એસોસિએશનના સભ્યોના ટેમ્પોમાં તેમણે નક્કી કરેલા સમયે અને નિયત ભાડામાં માલ મોકલવા જણાવ્યું હતું તેમજ એક રસીદ બનાવી 1000 રૂપિયા ઉઘરાવ્યાં હતાં. જે બાદ કાયદો હાથમાં લઈ કંપનીના કર્મચારીને માર મારી ધમકીઓ આપી હતી. હાલ SIA ના સભ્ય ઉદ્યોગકારોએ આ બાબતે ટેમ્પો એસોસિએશન, પોલીસ અધિકારી સાથે બેઠક કરી આ મામલે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *