વાપી :- વાપીના ગીતાનગર વિસ્તારમાં આવેલ સરવૈયા નગરની D બિલ્ડીંગમાં 23મી જુલાઈએ ધોળે દિવસે 65 વર્ષીય અમીના ખાતુંન નામની મુસ્લિમ વૃદ્ધાને તેના જ ઘરમાં મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ હત્યાનો ભેદ વલસાડ પોલીસે 3 જ દિવસમાં ઉકેલી નાખી હત્યારાને દબોચી લીધો છે. હત્યારો તેમના જ પુત્રની દીકરીનો પતિ એટલે કે જમાઈ છે. હત્યારા મોહંમદ અનિશે મહિલાને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી 4.33 લાખની લૂંટ કરી હતી.
શુક્રવારે 23મી જુલાઈએ વાપીના સરવૈયા નગરના D બિલ્ડીંગમાં આવેલ ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધા અમીના ખાતુંન મોહંમદ રઝાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાના 3જા દિવસે જ વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે આ હત્યા મૃતક અમીના ખાતુંનની પૌત્રી ના પતિ અને જમાઈ એવા મોહમ્મદ અનિશ મુનાવર ખાને કરી હતી.
હત્યાના ભેદ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે જ્યારે મહિલાની હત્યા થઈ ત્યારે તેનો મૃતદેહ કિચનમાં પડ્યો હતો. જેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે હત્યાના દિવસે એક ગ્લાસમાં સ્વીટ પડ્યું હતું. સામાન્ય રીતે એવી પરંપરા છે કે ઇદ જેવા તહેવારમાં જો કોઈ બહારના વ્યક્તિ ઘરે આવે તો તેને વાટકામાં સેવૈયા જેવી મીઠાઈ પીરસવાનો રિવાજ છે. પરંતુ જો દીકરીના સાસરી પક્ષથી કોઈ આવે તો તેને ગ્લાસમાં પીરસવામાં આવે છે. એટલે આ થિયરી આધારે પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
હત્યાના ઘટનાક્રમ અંગે પોલીસે આપેલી વિગતો એવી છે કે, મૃતક અમીના ખાતુંન વાપીમાં તેમના પુત્ર સૈફુ રહેમાન સાથે રહેતી હતી. ઇદનો તહેવાર હોય પુત્ર સૈફુ પોતાના પરિવાર સાથે મુંબઈના ભીંવડીમાં ગયો હતો. જે અંગેની જાણ મુંબઈમાં રહેતા સૈફુની પુત્રીના પતિ મોહંમદને હતી. એટલે તે મુંબઈથી ટ્રેનમાં વાપી આવ્યો હતો. સસરાના ઘરે આવ્યો ત્યારે અમીના ખાતુન તેને ઇદની મીઠાઈ ખવડાવવા કિચનમાં ગયા હતા ત્યારે પાછળથી આવીને મોહમદે તેનું ગળું દબાવી હત્યા કરી અને જીવિત રહેવાનો કોઈ ચાન્સ ના રહે તે માટે ધારદાર હથિયાર વડે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ઘરમાં રહેલા રોકડા 2 લાખ રૂપિયા, સોનાના દાગીના મળી કુલ 4.33 લાખની લૂંટ કરી ફરી ટ્રેઇન મારફતે મુંબઈ જતો રહ્યો હતો.
આરોપીએ હત્યાને અંજામ આપ્યા બાદ સાસુની અંતિમ વિધિથી લઈને તમામ ક્રિયામાં સાથે રહી પોલીસની ગતિવિધિ પર પણ નજર રાખતો હતો. જો કે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ આધારે આરોપીને દબોચી લીધો છે. તેમજ આરોપીએ લૂંટમાં મેળવેલ સોનાના દાગીના મુંબઈના મેજીક જવેલર્સમાં વેંચી તેમાંથી મેળવેલ પૈસા પણ તેના ઘરમાંથી કબ્જે કર્યા છે. હાલ આરોપીની ધરપકડ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા જમાઈને કડકમાં કડક સજા થાય તે માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.