Friday, October 18News That Matters

રવિવારે જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ કોરોના વોરિયર્સનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરશે

વાપીમાં વર્ષોથી બિન વારસી મૃતદેહોની દફનવિધિ-અગ્નિ સંસ્કાર કરી કોમી એકતાની મિશાલ બનેલા જમીયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ આલમ ખાન અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સભ્યોએ મહત્વની પહેલ કરી છે. આ ટ્રસ્ટ રવિવારે 13 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા ઉપરાંત કોરોના કાળમાં જીવના જોખમે પોતાની ફરજ નિભાવનાર આરોગ્ય કર્મચારીઓ, પત્રકારો, પોલીસ જવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, સભ્યો, સફાઈ કામદારોને કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી સન્માનિત કરશે.
વાપીમાં ડુંગરા વિસ્તારમાં દાવત પાર્ટી પ્લોટ નજીક ઉભા કરેલા લગ્ન મંડપ અને સામિયાણામાં રવિવાર 13મી ફેબ્રુઆરી 2022 ના જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને અન્ય ટ્રસ્ટીઓ, સભ્યોની એક વર્ષથી ઈચ્છા હતી કે કોરોના કાળમાં જે લોકોએ જીવન જોખમે પોતાની ફરજ બજાવી છે. તેવા કોરોના વોરિયર્સનું સન્માન કરવું.
જે ઇચ્છાને ધ્યાને રાખી સંસ્થાએ આ જ દિવસે સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે જ આવા કોરોના વોરિયર્સને લગ્ન સમારંભમાં નવદંપતિઓને આશીર્વાદ આપવાનું આમંત્રણ આપવા સાથે તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે.
કાર્યક્રમ સ્થળે હિન્દૂ-મુસ્લિમ સમાજના અગ્રણી મહાનુભાવો ના હસ્તે કોરોના વોરિયર્સ એવા વલસાડ જિલ્લાના પત્રકારોને પહેલી વખત જાહેર મંચ પરથી સન્માનિત કરી સન્માનપત્ર આપવામાં આવશે. એ ઉપરાંત વલસાડ જિલ્લાના વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા, SOG, LCB પોલીસ મથકના પોલીસ જવાનો, સરકારી આરોગ્ય હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ, શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સભ્યો નું પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગરીબ પરિવારની 11 દીકરીઓના ટ્રસ્ટના ખર્ચે લગ્ન કરાવવામાં આવશે. લગ્નમાં તમામ દીકરીઓને જરૂરી સોના-ચાંદીના દાગીના, લગ્નનો તમામ સામાન આપી પ્રભુતામાં પગલાં મંડાવી સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપશે.
ઉલ્લેખનીય છે કે જમીઅત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને સભ્યો, વાપીમાં વર્ષોથી રેલવેમાં, હાઇવે પર કે અવાવરું સ્થળે મૃત્યુ પામેલા બિન વારસી મૃતદેહોની દફનવિધિ-અગ્નિ સંસ્કાર કરી કોમી એકતાની  મિશાલ પુરી પાડી રહ્યા છે. કોરોના મૃતદેહોને જ્યારે કોઈ હાથ લગાડવા પણ તૈયાર નહોતા ત્યારે આ સંસ્થાના સભ્યોએ પોતાની એમ્બ્યુલન્સમાં પોતાના ખર્ચે કોરોના મૃતદેહ ને લાવી કોવિડ નિયમોનુસાર અને જે તે ધર્મની ધાર્મિક વિધિ અનુસાર મૃતદેહોને અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરી છે. ઇન્તેખાબ ખાને છેલ્લા 35 વર્ષમાં અંદાજિત 10 હજારથી વધુ મૃતદેહોને કોઈપણ પ્રકારનો છોછ રાખ્યા વિના અંતિમ મંઝીલે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *