વાપી નજીક બલિઠા ખાતે એક બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની તેમજ એક ગાર્ડની રિવોલ્વર, મોબાઈલ ચોરી કરી નાસતા ફરતા અશરફ અલી નામના ચોરની LCB પોલીસે ધરપકડ કરી બંને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલ ઇસમને વધુ પૂછપરછ માટે વાપી ટાઉન પોલીસને હવાલે કર્યો છે.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના PSI સી.એચ.પનારા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ મનોહરસિંહને મળેલ સંયુકત બાતમી આધારે વાપી ટાઉન બલીઠા જકાતનાકા ઓવરબ્રિજ નીચે આરોપી અશરફ અલી ઉર્ફે બાબુ અહમદ અલીને પકડી પાડ્યો હતો. પોલીસને તેના કબજામાંથી એક રીવોલ્વર કિંમત રૂપિયા 20,000, પાંચ જીવતા કારતીસ કિંમત રૂપિયા 500, બે મોબાઇલ ફોન કિમત રૂપિયા 8000, સોનાની કાનની બે બુટી કિંમત રૂપિયા 14000 મળી કુલ કિંમત 42,500 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે આરોપી અશરફ અલી ઉર્ફે બાબુ અહમદ અલીને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા બે દિવસ પહેલા રાત્રીના સમયે બલીઠા ટોયોટો શોરૂમની પાછળ આવેલ એક ગોડાઉનની ચાલીના રૂમમાંથી રીવોલ્વર, પાંચ જીવતા કારતીસ, સેમસંગ મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત કરી હતી. એ ઉપરાંત છ એક દિવસ પહેલા બલીઠા જી.ઇ.બી. પાસે આવેલ એક એપાર્ટમેન્ટના બંધ મકાનમાં રાત્રીના સમયે તાળુ તોડી અંદર ઘુસી સોનાની બે બુટી તથા નાકની નથણી તથા બાળકોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પકડાયેલ ચોરે વાપી નજીક બલિઠા ગામે રાધિકા ટ્રેડર્સ નામની કંપની માલિકના પર્સનલ સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશ દીનાનાથ રાજભરની રિવોલ્વર, કારતુસ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. જે અંગે રમેશ રાજભરે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એ જ રીતે બંધ ઘરમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીનાની પણ ફરિયાદ નોંધાઇ હોય LCB એ આરોપી અશરફને વધુ પૂછપરછ માટે વાપી ટાઉન પોલીસને હવાલે કરતા વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.