વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે રહેતા 2 ઈસમો અને દમણમાં રહેતા એક ઇસમને વલસાડ પોલીસે ચોરીના 13 આઈશર ટેમ્પો, 2 કાર મળી કુલ 1.14 કરોડના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ઈસમો દિલ્હી, મહારાષ્ટ્ર, યુપીમાંથી આઈશર ટેમ્પો ચોરી કરી દમણમાં તેના એન્જીન નંબર, ચેસીસ નંબર બદલી દમણ પાર્સિગનું રજિસ્ટ્રેશન કરી અન્ય ગ્રાહકોને વેચી દેતા હતાં. આ આંતરરાજ્ય વાહનચોરીના રેકેટની વિગતો વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ યોજી આપી હતી.
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાએ વાપીમાં પત્રકાર પરિષદ યોજી LCB ની ટીમે મેળવેલી મહત્વની સફળતા અને આંતરરાજ્ય ટ્રક – કાર ચોરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે વલસાડ LCB ની ટીમે બાતમી આધારે ભિલાડના 2 ઈસમો મોહંમદ ઝાબિર અબ્દુલ ગફાર શેખ, મોહમ્મદ સલમાન મોહંમદ શકીલને તથા દમણમાં રહેતા મહમુદ રમઝાન ખાન સહિત 3 આરોપીઓને દબોચી લઈ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ દિલ્હી, યુપી, મહારાષ્ટ્રમાંથી ટ્રક,આઈશર ટેમ્પો, કાર ચોરી કરી તેના ચેસીસ નંબર, એજીન નંબર સાથે ચેંડા કરી, ટોટલ લોસ થયેલ વાહનોની આર. સી. બુકની નાગાલેન્ડ, અસમ, અરુણાચલ રાજ્યના RTOમાંથી NOC મેળવી દમણ RTO માં રી – પાર્સિંગ કરાવી જરૂરિયાતમંદ ગ્રાહકોને 8 થી 10 લાખમાં વેચી નાખતા હતાં. પોલીસે હાલ આ આરોપીઓ પાસેથી ચોરીના 13 આઈશર ટેમ્પો, 2 કાર મળી કુલ 15 વાહનો કબ્જે કર્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ LCB એ 3 આરોપીઓ સાથે જપ્ત કરેલ 15 વાહનો, અલગ અલગ ચેસીસ નંબરના લોખંડના ટુકડાઓ, મોબાઈલ ફોન મળી કુલ કિંમત 1,14,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ રેકેટમાં સંડોવાયેલ અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલ ઈસમો રીઢા વાહન ચોર છે. જેમાં મોહંમદ સલમાન મોહંમદ શકીલ વાપી – મહારાષ્ટ્રના 2 ગુન્હામાં વોન્ટેડ હતો , ઝાબિર અબ્દુલ ગફાર અને મહમુદ રમઝાન ખાન મહારાષ્ટ્રના એક – એક ગુન્હામાં વોન્ટેડ હતા. વલસાડ પોલીસે ત્રણેય આરોપીઓને દબોચી 2 મહારાષ્ટ્રના અને 2 દિલ્હીના ગુન્હાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે.
જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો મુજબ પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્બે કરાયેલ તમામ વાહનો દમણ અને સેલવાસથી કબ્જે કરવામાં આવ્યાં છે. જ્યાં સ્થાનિક ગ્રાહકોએ આ વાહનો ખરીદ્યા હતાં. અને ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગોમાં માલસામાનની હેરફેર માટે વાપરાતા હતાં. પકડાયેલ ચોર પાર્ક કરેલ વાહનોના લોક તોડી ચોરી કરી વલસાડ-દમણમાં લાવતા હતાં.
પોલીસે હાલ ત્રણેય મુખ્ય આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ માટે વાપી GIDC પોલીસને સુપ્રત કર્યા છે, જ્યારે યુપીમાં ચાલતા વાહન ચોરીના કૌભાંડમાં અને વર્ષ 2016-17માં ચોરી કરેલા વાહનોમાં પકડાયેલ અન્ય ઈસમો સાથે પણ આ ઈસમો સંકળાયેલા હોવાની શંકા આધારે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.