Monday, September 16News That Matters

ચણોદ-હરિયા પાર્ક ખાડીથી દમણગંગા વિયર સુધીનો વિસ્તાર બિન ઝેરી સાપ-અજગર અને ઝેરી સાપનું આશ્રય સ્થાન છે.

ધાર્મિક માન્યતાઓમાં સાપ-પક્ષીઓ, પશુઓની પૂજા કરવાનું, તેનું સંવર્ધન કરી રક્ષણ કરવાનું મહત્વ છે. વલસાડ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજ, અન્ય સમાજ તો સાપને નાગદેવતા તરીકે માની તેની પૂજા કરે છે. અન્ય પશુ-પક્ષીઓની પણ એ જ રીતે પૂજા કરવામાં આવે છે. વનવિભાગ દ્વારા સાપ સહિતના કેટલાક પશુ-પક્ષીઓ માટે કાયદામાં વિશેષ જોગવાઈ ઉભી કરવામાં આવી છે. આવા કાયદા બનાવ્યા બાદ અને ધાર્મિક માન્યતાઓ બાદ પણ આધુનિક પ્રગતિની ઘેલછામાં જંગલનો સફાયો સાપ જેવા સરીસૃપો, પશુ પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન છીનવી લેવા નિમિત્ત બનતું હોય છે. આ જીવો માનવ વસવાટમાં આવી જાય છે. એને અબુધ લોકો તેને મોતને ઘાટ ઉતારી દે છે.
વલસાડ જિલ્લામાં સાપ કરડવાના અનેક બનાવો બને છે. એ ઉપરાંત ઔદ્યોગિક પ્રગતિને કારણે દીપડા જેવા જંગલનિવાસી પ્રાણીઓ પણ હવે રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓ પર તો ક્યારેક માનવીઓ પર હુમલા કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી આવા અનેક સરીસૃપો-પક્ષીઓ-પશુ-પ્રાણીઓ માટે વર્ષોથી આશ્રય સ્થાન રહ્યું છે. સ્થાનિક જીવદયા સંસ્થાઓ પાસેથી મળેલી વિગતો મુજબ દમણગંગા કાંઠા વિસ્તારમાં સારું એવું જંગલ વિકસિત થયું છે. એટલે ચણોદ-હરિયા પાર્ક ખાડીથી દમણગંગા વિયર, નામધા-ચંડોર સુધીનો વિસ્તાર બિન ઝેરી સાપ-અજગર અને ઝેરી સાપનું આશ્રય સ્થાન છે.
જો કે હાલમાં વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ને કારણે જંગલનો સફાયો થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં આવા સરી સૃપો ખાડી નજીકના રહેણાંક વિસ્તાર કે ઔદ્યોગિક વિસ્તાર તરફ આશ્રયસ્થાનની શોધમાં આવી ચડે તેમ છે. વાપી વિસ્તારમાં મહિને 50 જેટલા સાપના કોલ જીવદયા પ્રેમીઓને આવે છે. એટલે કે વર્ષે દહાડે લગભગ 600 જેટલા સાપ આસપાસના રિઝર્વ ફોરેસ્ટમાં છોડવામાં આવે છે. વાપી નજીકના વિસ્તારમાં 4 પ્રકારના ઝેરી સાપ તેમજ અજગર, ધામણ, રૂપસુંદરી જેવા બીન ઝેરી સાપ વસવાટ કરે છે. હવે સમયની માંગ જોતા આવા વિસ્તારમાં અદ્યોગિકરણ વધશે જે આવા હજારો સરીસૃપો માટે મોતનું એલાર્મ બનશે. 
ઉલ્લેખનીય છે કે જે રીતે દાદરા નગર હવેલીમાં સ્થાનિક પ્રશાસને ફોરેસ્ટ સહિતના વિભાગો સાથે મળી દમણગંગા નદી નજીક રિવરફ્રન્ટ અને બાગ બગીચા ઉભા કરી શહેરીજનોમાં-પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું છે. તેવું આકર્ષણ અહીં પણ ઉભું કરી શકાય તેમ છે. પરંતુ, અહીંના ઉદ્યોગકારો-નેતાઓ કે અધિકારીઓને એમાં પોતાનો કોઈ ફાયદો દેખાતો નથી. એટલે નદીને પ્રદુષિત કરીને કે અન્ય જીવોના આશ્રય સ્થાન પર તરાપ મારી પોતાનો ફાયદો ક્યાં થાય છે તેનું ગણિત ગણી ને કાયદાની આંટીઘૂંટી માં મેલી રમત રમી નાખે છે. આ થતું રહ્યું છે અને થતું રહેશે જેનું પરિણામ પણ દરેક જીવ ભોગવતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *