વાપી :- પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે…તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લાના સંજાણમાં જુગારની ક્લબ ધમધમતી થઈ ચૂકી છે….પણ..સાવધાન…શોખ ખાતર રમાતો જુગાર તમને અઠંગ જુગારી બનાવી શકે છે. આ કહેવું છે માનસિક હોસ્પિટલના નિષ્ણાંતોનું
શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. પરંતુ, નિર્દોષતા કે મોજમસ્તી ખાતર રમાતો જુગાર તમને વિચિત્ર બીમારીનો ભોગ બનાવી શકે છે. એવી બીમારી કે જે તમને અને તમારા પરિવારને બરબાદ કરી શકે છે. કેમ કે હવે કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરી દીધો છે. હાલ શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ ચૂકી છે. દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ માટે બુક કરવામાં આવી છે. અને મોટું સેક્શન દમણ પોલીસ, સ્થાનિક પત્રકારો, રાજકીય નેતાઓએ નક્કી કરી નાખ્યું છે. સંજાણમાં પણ વલસાડના જુગારિયાએ શ્રાવણ માસને ધ્યાને રાખી જુગારની ક્લબ શરૂ કરી છે. જેમાં કેટલાક રેગ્યુલર જુગારીયા તો કેટલાક શ્રાવણ માસમાં મોજ ખાતર અહીં જુગાર રમવા આવી રહ્યા છે.
જો કે આ રીતે રમાતા જુગાર અંગે માનસિક હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો જણાવે છે કે મેડીકલ સાયન્સની દ્રષ્ટિએ તે બીમારી છે. તબીબી વિજ્ઞાન કહે છે કે, જુગારનું વળગણ કે વ્યસન થઈ જવું તે એક શારીરિક-માનસિક બીમારી છે. મનોવિજ્ઞાનમાં આ બીમારીને ઓબ્સેસીવ કમ્પલઝીવ ડીસઓર્ડર કહે છે.
અઠંગ જુગારીયાઓ દિવસ-રાત જુગાર રમવાની જ કલ્પના અને આયોજન કરતાં રહે છે. ખાવું-પીવું-ઊંઘવા જેવી શારીરિક જરુરિયાતોને પણ તેઓ નજરઅંદાજ કરી સતત જુગાર રમતાં રહે છે. જુગાર રમવા માટે તેઓ સતત નાણાં એકત્ર કરવાનાં આયોજન કરતાં રહે છે. પૈસાનો જોગ ના થાય તો તેઓ ચોરી કે લૂંટના રવાડે પણ ચઢી જતાં હોય છે. વારંવાર હારતાં હોવાં છતાં તેઓ ફરી ફરીને બમણાં જુસ્સાંથી જુગાર રમવાનું આયોજન કરતાં રહે છે. જુગારની લ્હાયમાં ને લ્હાયમાં તેઓ પરિવારજનોને છેતરતાં રહે છે. અને જુગાર રમાડતા શખ્સો માલામાલ થતા જાય છે.
આવા માણસ અઠંગ જુગારી બની જાય છે તેની પાછળનું કારણ છે મગજમાં થતું કેમિકલ એક્શન-રીએક્શન. જુગાર રમતી વખતે મગજમાં સેરેટોનીન અને ડોપામાઈન જેવાં કેમિકલ ઝરે છે. આ કેમિકલ માણસને મૂડમાં લાવી દે છે. વધુ ને વધુ જોખમ ઉઠાવવા તેને પ્રેરે છે. આ રીતે મોજ અને નિર્દોષતા ખાતર રમાતા જુગારની જો લત પડી જાય તો પરિવાર બરબાદ થઈ જાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે મોજમજા ખાતર વાલીઓને જુગાર રમતાં જોઈ બાળકો પણ તેનું અનુકરણ કરતાં થઈ જાય છે.
શ્રાવણ તો આવીને જતો રહેશે પણ જો જુગારની લત પડી ગઈ તો તેને દૂર કરતા નાકે દમ આવી જશે તેની સહુએ ચિંતા રાખી આ બદીથી દૂર રહેવું એ જ પરિવાર અને સમાજનાં હિતમાં છે. ઉલ્લેખનીય છે કે હાલ આવી બદીઓનો જ લાભ દમણમાં અને સંજાણમાં જુગાર ક્લબ ખોલી બેસેલા નામચીન શખ્સો ઉઠાવી રહ્યાં છે.