વાપી :- દમણના લિકર કિંગ રમેશ માઈકલના નામથી ગુજરાતના બુટલેગરો જ નહીં પણ ખુદ ગુજરાત પોલીસ ફફડતી રહી છે. ગુજરાતમાં દારૂના અસંખ્ય ગુન્હામાં વોન્ટેડ હોવા છતાં ક્યારેય પોલીસે તેને પકડવાની હિંમત બતાવી નથી. ત્યારે અચાનક તે ગુજરાતના ભિલાડ ખાતે હાઇવે પર આવેલી અવધ હોટેલમાં નાસ્તો કરવા આવ્યો અને LCB ની ટીમે દબોચી લીધો હોવાની થિયરી લોકોને ગળે ઉતરતી નથી.
રમેશ માઈકલ કુખ્યાત બુટલેગર છે. તેમની સામે આ પહેલા પણ અસંખ્ય દારૂના ગુન્હા નોંધાયા છે. લિકર કિંગ તરીકે જાણીતા રમેશ માઈકલ માટે કહેવાય છે કે, દમણમાંથી ગુજરાતમાં આવતો મોટાભાગનો દારૂ માઈકલ એકલો સપ્લાય કરે છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં તેણે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. કરોડોની લકઝરીયસ કારનો કાફલો ધરાવે છે. કેટલાય સાગરીતો પાસે તે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવતો આવ્યો છે.
જે ઇસમના સાગરીતોએ ભૂતકાળમાં પોલીસ જવાનો પર હુમલા કર્યા હોય, પોલીસના જવાનોને માર માર્યો હોય તે ઇસમ આ રીતે સહજતાથી પોલીસના હાથે ઝડપાઇ જાય તે કેફિયત ગળે ઉતરતી નથી. સુત્રોનું કહેવું છે કે માઈકલ જરૂર કોઈ મોટી રાજરમત રમી રહ્યો છે અને તે રાજરમતના ભાગે જ સામેથી વલસાડ પોલીસને શરણે થયો હોઈ શકે છે. ત્યારે આખરે માઈકલની આ રાજરમત કઈ હોય શકે તે તો હવે તેના આગામી દાવપેચ બાદ જ ખબર પડશે પરંતુ હાલ તો રમેશ માઈકલને દબોચી લઈ વલસાડ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. અને ગુજરાતના અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાવ્યો છે.
સંઘપ્રદેશ દમણ ખાતે રહેતો અને ગુજરાત રાજયમાં પોતાના સાગરીતો મારફતે મોટા પાયે ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાવતો કુખ્યાત બુટલેગર રમેશ ઉર્ફે રમેશ michael જગુ કોળી પટેલને વલસાડ પોલીસે દબોચી લીધો છે . ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપી માઈકલને વલસાડ જિલ્લા પોલીસે ગુજરાતના ભીલાડ ખાતેની અવધ હોટેલમાંથી ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ અંગે વાપી DYSP વી. એમ. જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી કે રમેશ માઈકલ જગુ કોળી વલસાડ જિલ્લામાં 6 ગુન્હામાં વોન્ટેડ હતો. વલસાડ પોલીસે તેને બાતમી આધારે ઝડપી પાડી વાપીના એક ગુન્હા સબબ બે દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વી.એમ. જાડેજાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ વલસાડ પોલીસે દમણ એકસાઇઝને સાથે રાખીને દમણના ભીમપોરમાં આવેલ તેમના દારૂના ગોડાઉનમાં છાપો મારી મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. હાલમાં કાયદાકીય કાર્યવાહી મુજબ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને ફરિયાદ આધારે તેની સામે અને તેના સાગરિતો સામે જે પણ ગુના હશે તે ગુન્હા આધારે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 માં દમણ એક્સાઈઝ દ્વારા તેના વેરહાઉસમાં રેઇડ કરી 3 કરોડનો દારૂ, દોઢ કરોડના વાહનો મળી 4.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એ અગાઉ તેના રહેઠાણ પર ED એ વર્ષ 2017 માં રેઇડ કરી કરોડોની બેનામી સંપત્તિ જપ્ત કરી હતી. ED ના તે વખતના અહેવાલ મુજબ રમેશ માઈકલે વર્ષ 2007 થી વર્ષ 2017 સુધીના 10 વર્ષના ગાળામાં 418 કરોડની રકમ તેના અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરાવેલી હતી. ED એ તપાસ દરમ્યાન તેમના વેરહાઉસમાંથી અઢી કરોડનો ગેરકાયદેર દારૂ ઉપરાંત કરોડોની લકઝરીયસ કાર કબ્જે લીધી હતી.