19મી ડિસેમ્બરે રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતમાં પણ સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાશે. ત્યારે વાપી તાલુકાના કરવડ ગામે સરપંચ માટે ઉભેલા ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારો અને સભ્યોમાં રાજકીય ખળભળાટ સર્જાયો છે. કેમ કે અહીં ભાજપ સમર્થીત સરપંચની પેનલમાં કોંગ્રેસના માજી તાલુકા પંચાયતના સભ્યએ પોતાની પત્નીની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના યુવા પ્રમુખે પોતાની પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે.
19મી ડિસેમ્બરે વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયત માં સરપંચ અને સભ્ય માટેની ચૂંટણી યોજાશે. વાપીમાં પણ તાલુકાના ગામમાં હાલ સરપંચની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કરવડ ગામે ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારોએ એકબીજા સાથે મિલીભગત રચી પંચાયત કબ્જે કરવા ઉતરતી કક્ષાનું રાજકારણ શરૂ કર્યું છે.
મળતી વિગત મુજબ કરવડ ગામે ગત ટર્મના અને ભાજપ સમર્થીત દેવેન્દ્ર પટેલે ફરી સરપંચપદ માટે ઉમેદવારી નોંધાવી છે. જેની સામે જીતેન્દ્ર પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સરપંચની પેનલમાં સભ્ય તરીકે કોંગ્રેસના તાલુકા પંચાયતના માજી સભ્ય અને વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા ઉત્તમ રોહિતે તેમની પત્ની સુમિત્રા રોહિતને ભાજપ સમર્થીત પેનલના દેવેન્દ્ર પટેલની ટીમમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના યુવા પ્રમુખ પંકજ રોહિતે તેની પત્ની મનીષા રોહિતને અપક્ષ સભ્યની ઉમેદવારી નોંધાવડાવી છે. જેને લઈને કરવડ ગ્રામ પંચાયતની ચૂંટણીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
કરવડ ગ્રામ પંચાયત માં કુલ 10 જેટલા વોર્ડ છે. જેમાં વોર્ડ નંબર 8માં ભાજપ-કોંગ્રેસ સમર્થીત સભ્યો ઉપરાંત અપક્ષ સભ્ય ની ઉમેદવારીએ ત્રિપાંખીયા જંગના એંધાણ આપ્યા છે. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સમર્થીત સરપંચો અને સભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે, કોંગ્રેસના કાર્યકરોમાં એક ભાજપને ખોળે બેસી જતા અને બીજાએ પક્ષના કાર્યકરો સામે જ અપક્ષ માં ઉમેદવારી કરતા કોંગ્રેસની છબી ખરાબ થઈ છે. ત્યારે હવે આ મામલે પક્ષના મોવડીઓ બંને કાર્યકરો સામે એક્શન લેશે કે કેમ તે અંગેની ચર્ચાએ ગામના લોકોમાં જોર પકડયું છે.