સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી છે. હવે રહી રહીને આ જ બુદ્ધિના બરદાનોને બ્રહ્મજ્ઞાન મળ્યું હોય તેમ PWD ના અધિકારી પર ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી બ્રિજ નિર્માણ કામગીરી વહેલી પૂર્ણ કરવા ભલામણ કરાવી રહ્યા છે.
વાપી નજીક બલિઠા ખાતે પસાર થતી રેલવે લાઇન પર કેન્દ્ર સરકારે ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. 60 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર બ્રિજ દમણ જતા તમામ પ્રકારના વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બને, વાપીમાં આવાગમનના ટ્રાફિક પર નિયંત્રણ આવે, રેલવે ફાટકને કારણે વાહનચાલકોનો જે સમય વેડફાઈ રહ્યો છે તેમાં રાહત મળે, વર્ષે દહાડે રેલવે ક્રોસિંગ કરતા થતી માનવ ખૂંવારી અટકે એવા મહત્વના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયો હતો.
પંરતુ 2016માં પ્રોજેકટ ની મંજૂરી મેળવ્યા બાદ 2021 સુધીમાં આ બ્રિજના મામલે મોટાપાયે રાજકારણ રમાઈ જતા બ્રિજની આખી ડિઝાઇન બદલાવ્યાં બાદ હાલમાં પણ પ્રોજેકટ ઘોંચમાં પડ્યો છે. આ અંગે તપાસ બાદ મળતી ચોંકાવનારી વિગતો મુજબ વર્ષ 2016માં આ બ્રિજ પાસ થયા બાદ 2018માં તેની ડિઝાઇન તૈયાર કરી હતી. જે ડિઝાઇન મુજબ બલિઠા ના પશ્ચિમ વિસ્તાર તરફથી પૂર્વમાં હાઇવે નંબર 48 પર રાઉન્ડ શેપમાં બ્રિજ નો છેડો હાઇવે પર ઉતરતો હતો. જો કે નેશનલ હાઇવે પર જ્યાં આ બ્રિજ નો છેડો આવતો હતો તે છેડે ભાજપના હાલના વલસાડ જિલ્લા ઉપપ્રમુખ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સભ્યનો ટોયોટા નો શૉ રૂમ છે. જેની નજીક કિયા કાર નો શૉ રૂમ છે. તેની નજીક બિલ્ડરોની અને ભાજપના કાર્યકરોની જમીન-પ્લોટ છે. જે કરોડો ની કિંમતના હોય એને બચાવવા ગામના સરપંચ-ઉપસરપંચ ને સાથે રાખી સ્થાનિક ધારાસભ્ય- સાંસદ સહિતના રાજકીય આગેવાનો સમક્ષ ભલામણ કરી બ્રિજની ડિઝાઇન બદલાવી એક જ સાઈડ બ્રિજને ઉતારવા રજુઆત કરી હતી. જે બાદ આ આખી બ્રિજની ડિઝાઇન ભાજપના કાર્યકરોને ફાયદો કરાવવા બદલી નાખી અને કોરોના કાળ પહેલા નિર્માણ કામગીરી હાથ ધરાઈ જે હાલમાં કોરોના કાળ અને બ્રિજનો કોન્ટ્રાકટ લેનાર કોન્ટ્રાક્ટર ને સિમેન્ટ-સ્ટીલના વધેલા ભાવ કોરોના કાળના મારને કારણે આ ખોટનો ધંધો જણાતા કામ અટકી પડ્યું છે.
જો કે આ દિવસો દરમ્યાન હવે બલિઠાના જે ભાજપના કાર્યકરોએ કરોડોની જમીન બચાવવા આખા બ્રિજની ડિઝાઇન બદલાવી છે. તેઓને હવે જમીનના સરકાર જે ભાવ આપે છે તે મૂળ બજાર કિંમત કરતા 4 ગણા વધારે મળતા હોય ફરી મૂળ ડિઝાઇન મુજબ બ્રિજ બનાવવા ફરી ધારાસભ્ય-સાંસદ પાસે ધરમધક્કા ખાઈ PWD ના અધિકારીઓને જૂની ડિઝાઇન મુજબ બ્રિજ નિર્માણ કરવા ભલામણ કરાવાય રહી છે. એવી ચર્ચા બલિઠા સહિત વાપીના ભાજપના કાર્યકરોમાં ઉઠી છે.
જો કે એક વાત ચોક્કસ છે કે જૂની ડિઝાઇન મુજબ જો આ બ્રિજ નિર્માણ થાય તો વાપી અને નેશનલ હાઇવે પર ઉભી થતી ટ્રાફિકની સમસ્યા 100 ટકા નિવારી શકાય તેમ છે. ત્યારે પોતાના લાભ માટે બલિઠા ગામનો વિકાસ રૂંધનારાઓને રહી રહીને થયેલું બ્રહ્મજ્ઞાન PWD ના અધિકારીઓ અને ભાજપના નેતાઓને પણ થાય અને બ્રિજ નિર્માણની કામગીરી એ મુજબ કરવામાં આવે તે હાલના સમયની માંગ છે. ઉલ્લેખનીય છે કે બલિઠા ખાતેના આ બ્રિજની કામગીરી માટે વર્ષ 2006માં તે વખતના દમણના સાંસદ ડાહ્યાભાઈ પટેલે પણ લોકસભામાં રજુઆત કરી હતી. અને વાપી-દમણના ટ્રાફિકના નિયંત્રણ માટે બ્રિજ મંજૂર કરવાની માંગ કરી હતી.