વલસાડ જિલ્લાના ભિલાડ ગામમાં આવેલ ઇન્ડિયાપાડા ફળિયામાં ત્રીનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરના પૂજારી ગજાનંદ મહારાજે દાવો કર્યો છે કે તેમની પાસે ભગવાન શિવનું ત્રીજું નેત્ર છે. જે તેમને 35 વર્ષ પહેલાં સાધુરૂપે આવેલા ભગવાન શિવે આપ્યું છે. આજના આધુનિક યુગમાં જો કે આ વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. પરંતુ, ગજું મહારાજે આ ત્રીનેત્ર માટે વૈજ્ઞાનિકોને લેબોરેટરી ટેસ્ટ કરવાની ચેલેન્જ આપી છે.
ભિલાડના ઇન્ડિયા પાડા ફળિયું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની સરહદ પર આવેલું છે. અહીં હાલ એક સુંદર ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ મંદિર ગજું મહારાજનું છે. આવનારા દિવસોમાં તે અહીં 9 કરોડના ખર્ચે 51 શક્તિપીઠનું નિર્માણ કરવાના છે.
તેમની પાસે રહેલા કાળા પથ્થરના એક ટુકડાએ તેમનું જીવન બદલ્યું છે. અને તેની અપાર શક્તિથી તે રોગીઓના રોગ મટાડે છે. નિઃસંતાન દંપતિઓને સંતાન સુખ આપે છે. શિવના ભક્ત ગજું મહારાજે જણાવ્યું હતું કે તે વારલી જ્ઞાતિમાંથી આવે છે. 3 ધોરણ સુધી ભણેલા છે. પોતાની યુવાનીમાં તેણે અનેક દુઃખો સહન કર્યા છે. પરંતુ જ્યારથી તેની પાસે આ ત્રીનેત્ર આવ્યું છે. ત્યારથી તેનું અને પરિવારનું આખું જીવન બદલાઈ ગયું છે.
ત્રીનેત્ર તેમને પ્રાપ્ત થયું તે પહેલાં તે અત્યંત ગરીબ હતાં. રોજગારી માટે તેણે વલસાડ જિલ્લાના કુંડી ગામે ઢોર ચાર્યા છે. ભિલાડમાં અલગ અલગ કંપનીઓના નોકરી કરી છે. જે દરમ્યાન એક દિવસ ભગવાનનો ફોટો ખરીદ્યો જે બાદ રાત્રે કૈલાસ દર્શનના સપના આવતા. એવામાં એક દિવસે નોકરી જતી રહી એટલે રિક્ષાનો ધંધો શરૂ કર્યો. નશાના વ્યસની બન્યા અને રીક્ષા સહિત બધું આ નશામાં વેંચાઈ ગયું. માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ પૈસા નહોતા. એ સમયે ગામમાં પોતાના ઘરે તે બીમારીમાં પટકાયા અને નવ મહિને સાજા થયા અને તે બાદ તેને ભગવાનની પ્રતીતિ થઈ.
એક દિવસે એક સાધુ તેમના ઘરે આવ્યા તેમણે ખાવાનું માંગ્યું ગજુના ઘરે ખાવાના ફાંફાં હતાં. તેમ છતાં સાધુને જમાડ્યા જમ્યા બાદ સાધુએ એક જોડી કપડાં અને 50 રૂપિયા માંગ્યા એ હતા નહિ પણ પત્નીએ બચાવેલ 70 રૂપિયા આપ્યા એ લઈને સાધુએ કહ્યું હું તારું દુઃખ લેવા આવ્યો છું. એમ કહી 70 રૂપિયામાંથી 20 રૂપિયા પાછા આપ્યા અને શ્રાવણ મહિનામાં આવવાનું કહી સાધુ જતા રહ્યા જેના બીજા જ દિવસે એક સ્થળેથી કાર ચલાવવાની નોકરી મળી એ દિવસોમાં તે રાત્રે રોશનીનો પ્રકાશ જોયો હતો. જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે એ સાધુ ફરી તેના ઘરે આવ્યા અને તેને આ નેત્ર આપી જતા રહ્યા. આ રીતે તેને ત્રીનેત્ર મળ્યું જે બાદ ધીરેધીરે તેમણે અહીં મંદિર બનાવ્યું છે. દરરોજ શિવની આરતી કરે છે.
ગજું મહારાજ જડીબુટ્ટીઓ ની દવાથી આસપાસના વિસ્તારમાં રોગીઓના રોગ મટાડે છે. તેમનો દાવો છે કે તેણે એક કોરોના દર્દીને પણ સાજો કર્યો છે. આ બધો પ્રતાપ તેમની પાસે 35 વર્ષથી રહેલા શિવના ત્રીજા નેત્રનો છે. તેમના મતે આ શિવનું ઓરિજનલ નેત્ર છે. જેનો એક મોટો ફોટો મઢાવી મંદિરમાં રાખ્યો છે. જેમાં ૐ, રામ, હનુમાન, વિષ્ણુ, સરસ્વતી માતા સહિત સમગ્ર બ્રહ્માંડ ની પ્રતીતિ થઈ રહી છે. અને તેનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવાની પણ ચેલેન્જ આપી રહ્યા છે.