આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ‘ખાડા ભરો આંદોલન’ શરૂ કરવામાં આવ્યું. જેમાં નાગરિકોને અડચણરૂપ થતા ખાડાઓને ભરીને નાગરિકોને મહદંશે રાહત પહોંચે તે રીતની કામગીરી કરવામાં આવી હતી. ‘ખાડા ભરો આંદોલન’માં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને પ્રજાની તકલીફો દૂર કરવાની કોશિશ કરી હતી.
વલસાડ જિલ્લા માં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓ અને તૂટેલા રસ્તાઓના કારણે વલસાડના લોકોને સતત રોડ અકસ્માતનો ખતરો રહે છે. આ રસ્તાઓ સુધારવા માટે રાજ્ય સરકાર અને ભાજપ શાસિત વિવિધ નગરપાલિકાઓ દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી કરવામાં આવી રહી છે.
રસ્તાઓ અને ગટરોની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે પ્રિ-મોન્સુનના નગરપાલિકા દ્વારા કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. એવું લાગે છે કે અધિકારીઓ અને રાજકારણીઓ પ્રિ-મોન્સુન મીટીંગના નામે ભ્રષ્ટાચાર કરવા માટે ભેગા થતા હતા. આજે જરૂર છે કે નગરપાલિકા અને સરકાર દ્વારા રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બચાવવામાં લાગેલા છે.
વારંવાર ખોદકામ અને અન્ય સમસ્યાઓના કારણે દર વર્ષે હજારો કિ.મી. રોડ બગડે છે કે તૂટી જાય છે. તમામ સમસ્યાઓ સામાન્ય પ્રજાને ભોગવવું પડે છે. સૌ જાણે છે કે દર વર્ષે વરસાદને કારણે રોડની હાલત ખરાબ થઈ જાય છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
જેટલું બજેટની રકમ આપવામાં આવે છે, એટલામાં શહેરમાં VIP રોડ જેવા રસ્તા પણ બની શકે છે. દર વર્ષે ઈમાનદારીથી ટેક્સ ભર્યા પછી પણ ગુજરાતમાં કોઈને સારા રસ્તા મળવાનું પણ નસીબ નથી.