નારગોલ :- વર્ષ 1991માં વલસાડ જિલ્લાના નારગોલ દરિયા કિનારે એક મૃત વ્હેલ તણાઈ આવી હતી. જે મૃત વ્હેલનું હાડપિંજર આજે પણ ધરમપુરના મ્યુઝયમમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે, ફરી 30 વર્ષ બાદ નારગોલ-માલવણ બીચ પર મહાકાય વ્હેલનો અડધો મૃતદેહ કાંઠા પર તણાઈ આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણીવાર મૃત ડોલ્ફીન તણાઈ આવી ચૂકી છે.
નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાય આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધુ શરીર કિનારે આવ્યું હતું. જે ડિકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા આવી રહ્યા છે.
સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વનવિભાગ ની એક ટીમ ઘટના સ્થળે આવી હતી. વનવિભાગની ટીમે મૃત વ્હેલના મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પહેલા આ જ વિસ્તારમાં મૃત ડોલ્ફીન મળી આવી હતી. ભૂતકાળમાં પણ અનેક મૃત ડોલ્ફિન મળવાની ઘટના આ વિસ્તારમાં બની ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1991 માં નારગોલના દરિયા કિનારે 18 ફૂટ લાંબી વ્હેલ માછલી તણાય આવી હતી જેનું હાડપિંજર આજે પણ ધરમપુર મ્યૂઝિયમમાં સાચવીને રાખવામાં આવ્યું છે. જેના 30 વર્ષ બાદ મૃત વ્હેલનું અર્ધશરીર ફરીવાર આ દરિયા કિનારે જોવા મળ્યું છે.